Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગુજરાતમાં શહેરી મહિલાઓ હેલ્થ પ્રત્યે જાગૃત બનીઃ થઇ રહી છે પાતળી : પુરૂષોનું વજન વધી રહ્યું છે

ગ્રામિણ ક્ષેત્રે રહેતી મહિલાઓનું વજન વધવા લાગ્યું

નવી દિલ્હી,તા. ૨૧: છેલ્લા ૫ વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતની શહેરી મહિલાઓ હેલ્થ બાબતે વધુ જાગૃત થઈ હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓ પરથી એવું જાણવા મળી રહ્યું છે કે ગુજરાતની શહેરી મહિલાઓ પાતળી થઈ રહી છે જયારે પુરુષો જાડિયા થઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન શહેરોમાં વધુ વજન ધરાવતી મહિલાઓના પ્રમાણમાં ૪%નો ઘટાડો નોંધાયો છે.

આ સર્વેમાં એવું તારણ જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પુરુષો અને મહિલાઓના વજનમાં વધારો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શહેરોમાં વસવાટ કરતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય (હેલ્થ) પ્રત્યે વધુ જાગૃત થઈ રહી છે જયારે ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરતી મહિલાઓના વજનમાં હવે વધારો થઈ રહ્યો છે.

આ પાછળનું કારણ જણાવતા રાજય હેલ્થ વિભાગનું કહેવું છે કે હવે ગામડાના ખેતરોમાં ઘણી ઓછી મહિલાઓ પરિશ્રમ કરતી જોવા મળે છે જયારે બીજી બાજુ તેઓ ઘરના કામમાં વ્યસ્ત રહેતી હોવાથી વજનમાં વધારો થયો છે.

અમદાવાદની ગાયત્રી શાહ નામની એક મહિલા કે જેમણે ૧૯ કિલોગ્રામ વજન ઉતાર્યું છે તેમણે જણાવ્યું કે નોકરી દરમિયાન અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે મારું વજન ખૂબ વધી ગયું હતું. હું ૨૦૦ મીટર જેટલું ચાલવામાં પણ હાંફી જતી હતી. આખરે મેં વજન ઉતારવાનું નક્કી કર્યું અને હવે હું અન્ય મહિલાઓને પણ વજન ઉતારવામાં મદદ કરું છું. અમદાવાદ શહેરમાં રહેતી મહિલાઓ હવે પોતાના સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ અંગે પહેલા કરતા વધુ જાગૃત થઈ છે. લોકડાઉનના સમયગાળામાં પણ ઘણી મહિલાઓએ વજન ઉતાર્યું છે.

(10:09 am IST)