Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ખેડૂત આંદોલન વચ્ચે પંજાબમાં કોમોડિટી દલાલના ઠેકાણાઓ પર આઇટીના દરોડા

આવકવેરા વિભાગે આ કાર્યવાહી પોલીસના બદલે સીઆરપીએફના જવાનોને સાથે રાખીને કરી ખેડૂતોના ટેકામાં દાન આપ્યું હોવાથી કાર્યવાહી કર્યાની બાદલનો આરોપ

નવી દિલ્હી : કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ આવકવેરા વિભાગે પંજાબમાં 10થી વધુ કોમોડિટી દલાલના ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. આવકવેરા વિભાગે પટિયાલા જિલ્લામાં જસવિંદર રાણાના ઘરે દરોડા પાડ્યા. શનિવારે શરૂ થયેલી કાર્યવાહી રવિવાર સુધી ચાલતી રહી.

  આ ઉપરાંત સમાનામાં પણ દલાલ એસોસિએશનના પ્રધાન પવન બંસલના નિવાસ સ્થાને પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. આવકવેરા વિભાગે આ કાર્યવાહી પોલીસના બદલે સીઆરપીએફના જવાનોને સાથે રાખીને કરી હતી.

   પંજાબ અને હરિયાણામાં આવકવેરા વિભાગ દ્વારા કૃષિ દલાલો પર કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અકાલી દળે આ કાર્યવાહીની નિંદા કરી છે.

  પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે આ આંદોલનકારી ખેડૂતોનું સમર્થન કરી રહેલા દલાલોને ડરાવવા અને ધમકાવવા માટે કેન્દ્રની ચાલ છે. અમરિન્દર સિંહે ચેતવણી આપી કે આવી કાર્યવાહીથી કેન્દ્રની વિરૂદ્ધ લોકોમાં ગુસ્સો વધશે. કેપ્ટને કહ્યું કે તે વાત સ્પષ્ટ છે કે કેન્દ્ર તરફથી પંજાબમાં કેટલાક દલાલોની વિરૂદ્ધ આવકવેરા વિભાગના દરોડા સુનિયોજીત રીતે પાડવામાં આવ્યા છે કે જેથી દલાલોને પોતાના લોકતાંત્રિક અધિકારો અને આઝાદીથી રોકવા માટે દબાણ ઉભુ કરી શકાય. તેમણે કહ્યું કે આવી દમનકારી નીતિ સત્તાધારી ભાજપ માટે ઉંધી પડશે.

 ભાજપના પૂર્વ સહયોગી દળ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કહ્યું કે દલાલો સામેની આ કાર્યવાહી એટલા માટે થઇ છે કારણ કે તેઓ ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. તેમણે ખેડૂતોના ટેકામાં દાન આપ્યું હતુ.

(12:00 am IST)