Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

લક્ષ્યદ્વીપમાં શુક્રવાર સુધીમાં કોરોનાનો કેસ જ ન નોંધાયો

ભારતમાં કોરોનાના કેસ એક કરોડને પાર : લક્ષ્યદ્વીપમાં ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના આકરા નિયમો નથી : છાત્રો સ્કૂલે જાય છે

કોચી, તા. ૨૦ : વિદ્યાર્થીઓનું એક ગ્રુપ સામાજિક મુદ્દાઓ પર શેરી નાટક કરવા આવે અને તેમને જોવા માટે સામે લોકોનું ટોળું એકઠું થયું હોય. આવી વાત કરતા તમને કોરોનાકાળ પહેલાનો સમય યાદ આવી જશે, કારણ કે કોરોના આવ્યા ત્યારથી લોકોના એકઠા થવાનું તો દૂર બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે. પરંતુ ભારતના કવરત્તી ટાપુ પર આ ઘટના થોડા દિવસો પહેલા જ બની હતી. લક્ષ્યદ્વીપમાં શુક્રવાર સાંજ સુધીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, અહીં લોકો એકદમ સામાન્ય જીવન જીવી રહ્યા છે.

અહીં ફરજિયાત માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરવાના કોઈ આકરા નિયમો નથી. લક્ષ્યદ્વીપના તમામ ૧૦ ટાપુઓ પર લગ્ન અને અંતિમક્રિયાની વિધિ મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા સાથે થઈ રહી છે. અહીં સમગ્ર દેશની સરખામણીએ વધુ એક મોટો તફાવત છે અને તે છે અહીં વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે.

ટાપુ પર અધિકારીઓ સાવધાની અને સમયસર ક્વોરન્ટાઈનનું ધ્યાન રાખી રહ્યા છે, જેના કારણે જ લક્ષ્યદ્વીપ અત્યાર સુધી કોરોના મુક્ત રહ્યો છે. માત્ર અહીંના સ્થાનિક લોકોને જ ટાપુ અને કોચી વચ્ચે મુસાફરી કરવાની મંજૂરી છે, અને તે પણ ઈમરજન્સીની સ્થિતિમાં. જ્યારે બહારના લોકોના ત્યાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લક્ષ્યદ્વીપ એડમિનિસ્ટ્રેશનના અધિકારી કહે છે, પ્રોટોકોલ મુજબ, બહાર ગયેલા સ્થાનિક લોકોને કોચીમાં ૧૯ દિવસ સુધી ક્વોરન્ટાઈન રાખવામાં આવે છે, આ બાદ જ તેઓ હોડીમાં બેસીને ટાપુ પર આવી શકે છે. એડમિનિસ્ટ્રેશન દ્વારા બે પ્રકારના ક્વોરન્ટાઈનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં સાતમા દિવસ પર તેમનો કોવિડ ટેસ્ટ કરાય છે અને જો તે નેગેટિવ આવો તો જ તેમને ઘરે જવા દેવાય છે, ઘરમાં પણ તેઓ પાંચ દિવસ ક્વોરન્ટાઈનમાં રહે છે. અને જો તેઓ પોઝિટિવ આવે તો તેમને ફરીથી કોચીમાં સારવાર માટે જવું પડે છે અને ફરી ક્વોરન્ટાઈનની પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. સાસંદ મોહમ્મદ ફૈઝલ કહે છે, અમે પાંચ ટાપુઓ પર ટેસ્ટિંગની સુવિધા રાખેલી છે, જેથી કોઈનામાં લક્ષણો દેખાય તો તેમનું ટેસ્ટિંગ થઈ શકે. હું આ કહેતા ગર્વ અનુભવું છું કે ભારતમાં માત્ર અમે સ્કૂલો ખોલી છે. બાળકોને માસ્ક પહેરવા અને સેનિટેશન રાખવા પ્રોસ્તાહિત કરાય છે.

(12:00 am IST)