Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ઉત્તરાખંડના કોટદ્વાર ખાતે વિશ્વની પ્રથમ મુસ્લિમ યોગ સાધના શિબિરનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન

વિભિન્ન દેશોના 500થી પણ વધારે મુસ્લિમ સ્ત્રી-પુરૂષોએ કાર્યક્રમમાં ભાગ લીધો

 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે  કોટદ્વાર ખાતે વિશ્વની પ્રથમ મુસ્લિમ યોગ સાધના શિબિરનું ઉદ્ધાટન કર્યું હતું. આગામી 24 મીએ પાંચ દિવસીય શિબિરની પૂર્ણાહુતિ છે.

કોટદ્વારના કણ્વાશ્રમ ખાતે આવેલા વૈદિક આશ્રમ ગુરૂકુલ મહાવિદ્યાલયમાં તેની સ્વર્ણ જયંતી નિમિત્તે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વિભિન્ન દેશોના 500થી પણ વધારે મુસ્લિમ સ્ત્રી-પુરૂષો કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.

યોગ શિબિરનું ઉદ્ધાટન કર્યા બાદ મુખ્યમંત્રી રાવતે કોટદ્વારનું નામ કણ્વનગરી કોટદ્વાર રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે તેમણે કેન્દ્ર સરકારે કણ્વાશ્રમને પ્રસિદ્ધ સ્થળની યાદીમાં સામેલ કર્યું હોવાથી સ્થળનો વિકાસ થશે અને પર્યટન વધશે તેમ જણાવ્યું હતું. કલાલ ઘાટીનું નામ કણ્વઘાટી રાખવાની માંગ મુદ્દે તેમણે કોટદ્વાર નગર નિગમને પ્રસ્તાવ મોકલવા નિર્દેશ આપ્યો હતો.

  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'યોગ આપણને વિશ્વ કલ્યાણ તરફ લઈ જાય છે તથા આપણા મન, મસ્તિષ્ક અને વિચારોને એટલી ઉંચાઈએ લઈ જાય છે કે આપણે બધાની ચિંતા કરવા લાગીએ છીએ.' વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનના પ્રયત્નોના કારણે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે.

(9:28 pm IST)