Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રાજ્યસભામાં પ્રદૂષણ મુદ્દે ચર્ચા : જાવડેકરનો જવાબ

વાયુ પ્રદૂષણને દૂર કરવા ખાસ પ્લાન બન્યો છે : ત્રણ વર્ષોના ગાળામાં હવાની ગુણવત્તા સુધરી છે : જાવડેકર

નવીદિલ્હી, તા. ૨૧ :  રાજ્યસભામાં આજે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના મુદ્દા ઉપર ચર્ચા થઇ હતી. સરકારે દાવો કર્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં ઉલ્લેખનીય સુધારો થયો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે સર્વગ્રાહી એર પ્લાન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની શરૂઆત કરવામાં આવી રહી છે. જાવડેકરે કહ્યું હતું કે, વડાપ્રધાનના મુખ્ય સચિવના નેતૃત્વમાં હાઈલેવલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી ચુકી છે. જાવડેકરે દાવો કર્યો છે કે, દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ત્રણ વર્ષમાં પવનની ગુણવત્તામાં સુધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં સહારા અને સંતોષજનક વર્ગના એક્યુઆઈવાળા દિવસોની સંખ્યા ૧૦૬ હતી જે સુધરીને ૨૦૧૭માં ૧૫૨ અને ૨૦૧૮માં ૧૫૯ થઇ ગઇ હતી.

           આ વર્ષના ૩૨૪ દિવસમાં ૧૭૫ દિવસ આ શ્રેણીમાં આવી ગયા છે. ખરાબ દિવસોની સંખ્યા પણ ગબડી ગઈ છે. વર્ષ ૨૦૧૬માં ૨૪૬થી વર્ષ ૨૦૧૭માં ૨૧૬ અને આ વર્ષે આ વર્ષે ૩૨૪ દિવસમાંથી ૧૯૦ દિવસ સારા અથવા તો સંતોષજનક શ્રેણીના રહ્યા છે. રાજ્ય પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડની સાથે મળીને નેશનલ પીન એર પ્રોગ્રામ શરૂ કરવામાં આવી ચુક્યો છે. આના માટે આઈઆઈટી કાનપુરને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. ૨૮ શહેરોને ૧૦-૧૦ કરોડ રૂપિયા પ્રદૂષણને રોકવા માટે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ ચાલી રહ્યા છે. અમે બીએસ-૬ પર માઇગ્રેટ કરી રહ્યા છીએ જે વાહન પ્રદૂષણને ૮૦ ટકા ઘટાડી દેશે. એપ્રિલ ૨૦૨૦થી સમગ્ર દેશમાં તેને લાગૂ કરવામાં આવશે. દિલ્હીમાં ૫૦૦ સીએનજી સ્ટેશન મુકવામાં આવી રહ્યા છે. દિલ્હી મેટ્રોનું નેટવર્ક હવે ૩૭૭ કિલોમીટરનું થઇ ચુક્યું છે.

(9:26 pm IST)