Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પાણી પ્રશ્ને અરવિંદ કેજરીવાલને રામ વિલાસ પાસવાને જવાબ આપ્યો

નમૂનાની તપાસ અન્યોની : રામ વિલાસ પાસવાન

નવી દિલ્હી, તા.૨૧ : કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્યાન્ન પ્રધાન રામ વિલાસ પાસવાને આજે જુઠ્ઠાણા ફેલાવવાના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આક્ષેપોનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, પાણીની ગુણવત્તાની તપાસ તેઓ પોતે કરતા નથી બલ્કે આ તપાસ બીઆઈએસ દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, તેઓએ પોતે પાણીની ગુણવત્તા ચકાસી નથી. આ કામ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીમાં પાણી માપદંડના આધાર પર યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, ૨૩ રાજ્યોના પાટનગરમાં દિલ્હીનું પાણી ગુણવત્તાના માપદંડ ઉપર સૌથી ખરાબ રહ્યું છે. ૧૧ માપદંડ પર પાણી યોગ્ય સાબિત થયું નથી. રિપોર્ટ સપાટી ઉપર આવ્યા બાદથી કેન્દ્ર અને દિલ્હી સરકાર એકબીજા ઉપર પ્રહાર કરી રહી છે. આમ આદમી પાર્ટીના દાવા બાદ આ સંદર્ભમાં પાસવાને પોતાની પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે પાસવાન પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, રામવિલાસની પાર્ટી પાણીના મુદ્દે રાજનીતિ રમી રહી છે. લોકોના ઘરના નમૂના મોકલીને જનતાના મનમાં દહેશત જગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. બીજી બાજુ દિલ્હી ભાજપના નેતાઓએ કેજરીવાલના આવાસની બહાર પ્રદર્શન પણ કર્યા હતા.

(7:46 pm IST)