Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

આસામ સરકાર લગ્નમાં નવવધૂઓને ફ્રીમાં એક તોલા સોનું આપશે

સરકારે તમામ સરકારી ઓફીસો અને કામકાજનાં સ્થળો પર ફરજીયાત સેનેટરી નેપ્કિન રાખવાનો પણ નિર્ણય લીધો છે

ગુવાહાટી તા. ર૧ :.. આસામની સરકારે અરુંધતિ યોજના અંતર્ગત દુલ્હનને એક તોલા સોનું આપવાની જાહેરાત કરી છે. ગુવાહાટીમાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે આ યોજનાને મંજૂરી આપતાં દુલ્હનનાં માતા-પિતાને મફતમાં એક તોલ સોનું આપવાની જાહેરાત કરી છે.

જો કે, આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિક રીતે કમજોર છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ યોજના આ વર્ષે રાજયના બજેટમાં પ્રસ્તાવિત હતી. બાળલગ્ન નિષેધ અધિનીયમ અંતર્ગત અરુંધતિ યોજનાનો મુખ્ય ઉદેશ રાજયમાં બાળલગ્નની  સંખ્યાને ઓછી કરવાનો છે. બાળલગ્ન નિષેધ અધિનીયમ અનુસાર ભારતમાં કોઇ પણ યુવતીનાં લગ્ન ૧૮ વર્ષથી પહેલા અને યુવકનાં લગ્ન ર૧ વર્ષથી પહેલા થઇ શકે નહીં. જો કે, આ યોજનાનો લાભ કોઇ પણ જાતિ, પંથ, ધર્મને માનતા પરિવાર લઇ શકે છે જેની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે. કેબિનેટ બેઠકમાં સરકારે તમામ સરકારી ઓફીસો અને કામકાજનાં સ્થળો પર ફરજીયાત સેનેટરી નેપ્કિન રાખવાનો પણ નિર્ણય લીધો છે. આ નિર્ણય કામકાજના સ્થળ પર મહિલાઓમં વ્યકિતગત સાફ-સફાઇને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.

(11:27 am IST)