Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સાઉદી અરેબિયામાં ત્રણ હજાર અમેરિકી જવાનો તૈનાત કરવા ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી

અમેરિકાનાં હિતોની સુરક્ષા અને ઇરાન દ્વારા વધતા જોખમ સામે પહોંચી વળવા નિર્ણય

વોશિંગ્ટનઃ સાઉદી અરેબિયામાં અમેરિકાનાં હિતોની સુરક્ષા કરવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ હજાર જવાનો તૈનાત કરવાની મંજુરી આપી છે.ટ્રમ્પે અમેરિકાની કોંગ્રેસને આ માહિતી આપી છે.

સાઉદી અરેબિયામાં ઓઇલ રિફાઇનરી પર થયેલા ડ્રોન હુમલા બાદ અમેરિકાએ આ પગલા લીધા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે સાઉદી અરેબિયાએ ઇરાનને જવાબદાર ઠરાવ્યું હતું.જો કે ઇરાને આવા કોઇ પણ હુમલામાં પોતાનો હાથ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.

અમેરિકન કોંગ્રેસને લખેલા એક પત્રમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે સાઉદી અરેબિયામાં અમેરિકાનાં હિતોની સુરક્ષા અને ઇરાન દ્વારા વધતા જોખમ સામે પહોંચી વળવા માટે આ જવાનો તૈનાત કરાયા છે.તેમણે લખ્યું કે આ જવાનોની તૈનાતીથી ઇરાનની આક્રમક નીતીનો જવાબ આપી શકાશે, તેનાથી આ ક્ષેત્રમાં સ્થિરતા આવશે.

ટ્રમ્પે એ પણ લખ્યું કે આ જવાનોમાં મોટાભાગનાં પહેલા પણ સાઉદીમાં ફરજ બજાવી ચુકયા છે અન્ય જવાનોને થોડા સમયમાં જ તૈનાત કરવામાં આવશે.તેમની કુલ સંખ્યા ત્રણ હજાર હશે.

(11:27 am IST)