Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ઇલેકટોરલ બોન્ડથી વધશે ભ્રષ્ટાચાર, નોટબંધીનો હેતુ પણ માર્યો જશે

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીને ત્રણ-ત્રણ પત્રો લખી ચેતવ્યા હતાઃ કોંગ્રેસે ચૂંટણી બોન્ડને ગણાવ્યો 'રાજકીય ગોટાળો' : બંને ગૃહોમાં કેન્દ્ર પાસે માંગ્યો જવાબઃ ભાજપે બોન્ડથી કાળનાણાને સફેદ બનાવ્યાનો આરોપ

નવી દિલ્હી, તા. ર૧ : રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે ઇલેકટોરલ બોન્ડ અને તેની અસરને લઇને તાત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીને ત્રણ વખત ચેતવ્યા હતા, ઉર્જિત પટેલે જેટલીને કહ્યું હતું કે, ઇલેકટોરલ બોન્ડને લાવવાથી ભ્રષ્ટાચાર વધશે એટલું જ નહિ નોટબંધીનો હેતુ પણ નિષ્ફળ જશે. આ બાબત ટેલીગ્રાફમાં પ્રકાશિત એક રિોર્ટમાં કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર ઉર્જિત પટેલે વર્ષ ર૦૧૭માં તાત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીને આ બારામાં ત્રણ વખત પત્રો લખ્યા હતા. ઉર્જિત પટેલે કહ્યું હતું કે, રીઝર્વ બેંક ઉપરાંત કોઇ અન્ય બેંકને ઇલેકટોરલ બોન્ડ જારી કરવાની પરવાનગી આપવામાં ખતરો છે. આ પૂરી કવાયતથી નોટબંધીથી મળનાર ફાયદો સમાપ્ત થઇ જશે.

રિઝર્વ બેંકના સીજીએમએ બજેટ પૂર્વેની ચર્ચામાં નાણા મંત્રાલયને આ બોન્ડ વિરૂદ્ધ ચેતવણી આપી હતી.

પૂર્વ ગવર્નર આ મામલે વર્ષ ર૦૧૭માં જુલાઇના અંતમાં જેટલી સાથે મુલાકાત બાદ સીધો હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ ર૦૧૭માં ઓગષ્ટથી સપ્ટેમ્બર દરમ્યાન નાણા મંત્રાલય રિઝર્વ બેંક પર ઇલેકટોરલ બોન્ડ સ્કીમનો મુસદ્દો તૈયાર કરવા માટે ભાર મૂકતું હતું. આ દરમ્યાન જ પટેલે નાણા મંત્રાલયને આ ત્રણ પત્રો લખ્યા હતાં.

અત્રે એ નોંધનીય છે કે નાણામંત્રી જેટલીએ વર્ષ ર૦૧૭-૧૮ ના બજેટ ભાષણમાં ઇલેકટોરલ બોન્ડ સ્કીમની જાહેરાત કરી હતી. આ પહેલા મીડીયામાં એવા અહેવાલો હતા કે બોન્ડ સ્કીમની જાહેરાત પૂર્વે કાનૂન મંત્રાલય અને મુખ્ય ચૂંટણી કમિશનરે પણ વિરોધ નોંધાયો હતો.

કાનૂન મંત્રાલયને નાણામંત્રાલયની એ દલીલ સામે વાંધો હતો જેમાં કહેવાયું હતું કે, આ સ્કીમને એ જ પક્ષ લઇ શકશે જેમનો લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછો ૧ ટકા વોટ શેયર હોયટ. કાનૂન મંત્રાલય આ વોટ શેયરની શરતને પૂરી કરીતે હટાવવાના પક્ષમાં હતું, તો મુખ્ય ચૂંટણી કમિશનરે પણ આ સ્કીમને  લેવા અત્રે વોટ શેયરની શરતને પણ ભેદ ભાવવાળી ગણાવી હતી, તો આ સંબંધમાં રાજકીય પક્ષો સાથે કોઇ વિચાર વિમર્શ કરાયો નહોતો.

કોંગ્રેસે ચૂંટણી બોન્ડને 'બેઇમાની બોન્ડ' અને 'રાજકીય ગોટાળો' ગણાવતા એવો આરોપ મૂકયો હતો કે પીએમ મોદીના નિર્દેશથી તેના નિયમો બદલાવાયા. પક્ષ પ્રવકતા સુરજેવાલાએ કહ્યું હતું કે, આ સરકારમાં નૈતિકતા અને લોકતંત્ર પ્રત્યે સીમ્માન હોય તો તેણે આ સંદર્ભે સંસદના બંને ગૃહોમાં જવાબ આપવો જોઇએ. કોંગ્રેસે આરોપ મૂકયો છે કે ભાજપે આના થકી કાળા નાણાને સફેદ કર્યા છે. આરટીઆઇ થી સ્પષ્ટ થાય છે કે પીએમ કાર્યાલયની સૂચનાથી નિયમ તોડવામાં આવ્યા હતા. સરકારે ગૃહને જણાવવું જોઇએ કે બોન્ડથી કોને કેટલી રકમ મળી અને કોણે આપી.

(11:25 am IST)