Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રોટેશન ર્ફોમ્યૂલા હેઠળ પહેલા CM શિવસેનાના, આજે NCP-કોંગ્રેસ ફરી મળશે

કોંગ્રેસને શિવસેનાના મુખ્યમંત્રી હોય તો કોઈ વાંધો નથી, મહારાષ્ટ્રની જનતાની ભાવના છે કે ઉદ્ઘવ ઠાકરેજી મુખ્યમંત્રી બનેઃ સંજય રાઉત

મુંબઈ, તા.૨૧:  મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયતની વચ્ચે તમામની નજરો કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી ચીફ શરદ પવાર  પર ટકેલી છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યુ કે, કોંગ્રેસ અને એનસીપીના નેતા ગુરુવારે ફરી એકવાર પોતાના નેતાઓની સાથે મીટિંગ કરશે. આ બેઠક બાદ બંને પાર્ટીઓના નેતા બપોરે ફરી એકવાર મળશે. તેઓએ કહ્યુ કે, અમારી શિવસેના અને એનસીપીની સાથે વાતચીત સાચી દિશામાં જઈ રહી છે. શુક્રવારે મુંબઈમાં સંયુકત જાહેરાત થઈ શકે છે.

જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, સોનિયા ગાંધીની સાથેની મીટિંગમાં કોંગ્રેસ નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે નેગોશિએશમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવામાં આવે.

સુત્રો મુજબ, એનસીપી-કોંગ્રેસની બેઠકમાં રોટેશનલ મુખ્યમંત્રી પર સહમતિ સધાઈ હોવાની અહેવાલ છે. મળતી જાણકારી મુજબ, પહેલા અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રી રહેશે. ત્યારબાદ એનસીપીના મુખ્યમંત્રી રહેશે. બીજી તરફ, કોંગ્રેસના ઉપમુખ્યમંત્રી રહેશે. મળતા રિપોર્ટ મુજબ, ત્રણેય પાર્ટીઓના ધારાસભ્યોની સંખ્યાના આધારે મંત્રીપદ મળશે. તે પહેલા રિપોર્ટ આવી રહ્યા હતા કે પાંચ વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રી હોય તેમાં કોંગ્રેસને કોઈ વાંધો નથી.

બીજી તરફ, અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને જયરામ રમેશ સોનિયા ગાંધીને બેઠકનો રિપોર્ટ આપવાના છે. સોનિયા ગાંધીને પહેલી બેઠકનો રિપોર્ટ આપ્યા બાદ કોંગ્રેસના નેતા, શરદ પવારના ઘરે ફરી પહોંચ્યા જયાં બીજા દૌરની બેઠક કોંગ્રેસ-એનસીપી વચ્ચે શરૂ થઈ.

શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર માટે મુખ્યમંત્રી પદ પર શિવસેનાની તરફદારી કરતાં કહ્યુ કે, શિવસેનાના મુખ્યમંત્રી બનવા જોઈએ એવી મહારાષ્ટ્રની જનતાની ઈચ્છા છે. આ રાજયની ભાવના છે કે ઉદ્ઘવ ઠાકરેજી નેતૃત્વ કરે.

જાણકારી પ્રમાણે કેટલાક મંત્રાલય નક્કી કરાયા છે જેને કોંગ્રેસ પાર્ટી માંગશે. જેમાં ગ્રામીણ વિકાસ, પીડબલ્યુડી, વિજળી, પશુપાલન જેવા વિભાગ છે. જેથી પાર્ટીને જનાધાર વધારવામાં મદદ મળે. આ સિવાય ભવિષ્યમાં યોજાનાર ચૂંટણીમાં ત્રણેય પાર્ટીઓ કઈ રણનિતીનું પાલન કરશે તે પણ સરકાર બનાવતા પહેલા સુનિશ્યિત કરવામાં આવશે

(7:45 pm IST)