Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કાશ્મીરમાં લોકડાઉનથી 3 મહિનામાં કુલ 12000 કરોડનું નુકસાન

ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને SMS સેવાઓ અવારનવાર બંધ થવાને કારણે સ્થિતિ ખરાબ : વેપાર-ઉદ્યોગને માઠી

શ્રીનગર : કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ દાવો કર્યો હતો કે, કાશ્મીર પ્રદેશમાં આર્ટિકલ 370 નાબુદ થયા બાદ છેલ્લા ત્રણ મહિનામાં કાશ્મીર વ્યાપાર અને સ્થાનિક વ્યવસાયને આશરે રુ.12000 કરોડનું નુકસાન થયું છે.

 અહેવાલ મુજબ KCCIના અધ્યક્ષ શેખ આશિક હુસૈને  જણાવ્યું હતું કે, પ્રારંભિક સર્વેમાંથી જાણવા મળ્યું છે કે, વ્યવસાયમાં રુ. 12,000 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને SMS સેવાઓ અવારનવાર બંધ થવાને કારણે અહીં સ્થિતિ ખૂબ ખરાબ છે. જેના કારણે અનેક વ્યવસાયને માઠી અસર પહોંચી છે.

 ત્રણ મહિનાના લાંબા શટડાઉનને કારણે કાશ્મીરના વ્યવસાયિક સમુદાય અને બીજા નાના વ્યાપારને ભારી નુકસાન થયું છે. અમે એવું ઈચ્છીએ છીએ કે, જમ્મુ કાશ્મીર તંત્ર શટડાઉન તથા પ્રતિબંધને કારણે થયેલા એક નુકસાનની જવાબદારી લે. તા.5 ઓગષ્ટથી કાશ્મીરના દરેક વ્યાપારને આર્થિક ફટકો લાગ્યો છે. અત્યાર સુધી કોઈએ તેની જવાબદારી લીધી નથી.

 તા.5 ઓગષ્ટથી ઈન્ટરનેટ અને બીજી મોબાઈલ સેવાઓ બંધ થવાને કારણે કાશ્મીરનો વ્યાપાર 50 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. આ શટડાઉનને કારણે કેટલા સેલ્સમેનને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. કાશ્મીરમાં 370ની કલમ દૂર થયા બાદ અત્યાર સુધીમાં કુલ 100થી વધારે દિવસો વીતી ચૂક્યા છે. તેમ છતાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.

(12:16 am IST)