Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

28મીએ પરવેજ મુશર્રફ વિરૂદ્ધ રાજદ્રોહ કેસનો ચુકાદો

ચુકાદો સુરક્ષિત રહેવા દરમિયાન મુશર્રફના વકીલને 26મી સુધીમાં અંતિમ દલીલો રજૂ કરવા નિર્દેશ

 

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની વિશેષ કોર્ટે પૂર્વ સૈન્ય તાનાશાહ જનરલ (સેવાનિવૃત્ત) પરવેજ મુશર્રફ વિરૂદ્ધ રાજદ્રોહ કેસના ચુકાદા માટે 28મી નવેમ્બર નિર્ધારિત કરી હોવાનું જાહેર કર્યું હતું.

 પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ(પીએમએલ-એન)ની પાછલી સરકારે 2013માં સેનાના પૂર્વ પ્રમુખ મુશર્રફ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાવ્યો હતો. મુશર્રફ પર ત્રણ નવેમ્બર, 2007ના રોજ કટોકટી લાગુ કરવાનો આરોપ છે. જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતાવાળા ત્રણ સદસ્યીય પંચે કેસની સુનાવણી કરી હતી. અહેવાલ મુજબ કેસનો ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને કોર્ટે સુનાવણી માટે 28મી નવેમ્બર નિર્ધારિત કરી હતી.

 કોર્ટે કેસનો ચુકાદો સુરક્ષિત રહે તે દરમિયાન મુશર્રફના વકીલને 26મી નવેમ્બર સુધીમાં અંતિમ દલીલો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. હાલમાં મુશર્રફ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં હોવાનું માનવામાં આવે છે અને દોષી ઠેરવવામાં આવશે તો તેમને ફાંસીની સજાનો સામનો કરવો પડશે.

 મુશર્રફ રાજદ્રોહ કેસના આરોપી બનેલા પાકિસ્તાનના પ્રથમ સેના પ્રમુખ છે. 31મી માર્ચ, 2014ના રોજ મુશર્રફ પરના આરોપો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. જ્યારે મુશર્રફે પોતે પાંચ આરોપોમાં દોષી હોવાની દલીલ સાથે તેને રાજનીતિથી પ્રેરિત ગણાવી નકાર્યા હતા.

(11:00 pm IST)