Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

છેલ્લા 7 વર્ષમાં ભારતમાંથી વિદેશોમાં સ્થાયી થયેલા નાગરિકોની સંખ્યામાં દોઢ ગણો વધારો :કુશળ કર્મચારીઓ વિદેશ ભણી રવાના અને બિનકુશળ કર્મચારીઓ વતનમાં પરત ફરી રહ્યા હોવાનો સર્વે

ન્યુદિલ્હી :ભારતનું બુદ્ધિધન તથા સાહસી વ્યાપારીઓ વિદેશોમાં વસવાટ કરવાનું પસંદ કરી રહ્યા હોવાનો તથા બિનકુશળ તેવા ભારતના કામદારો વિદેશોમાંથી વતનમાં પરત ફરી રહ્યા હોવાનું યુનાઇટેડ નેશન્સના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સના સર્વેમાં બહાર આવ્યું છે.

સર્વેમાં પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 2017 ની સાલમાં 17 મિલિયન જેટલા ભારતવાસીઓ વિદેશોમાં સ્થાયી થયા છે.જે આંકડો જુદા જુદા દેશોમાંથી વિદેશ જતા લોકોમાં સૌથી વધુ છે.માટે અન્ય દેશોમાં સ્થાનિક નાગરિકોને નોકરીમાં પ્રાધાન્ય આપવાનો નિયમ હોવાનું કારણ પણ જવાબદાર હોઈ શકે છે.

 ખાસ કરીને યુ.એસ.,યુ.કે.તેમજ આરબ દેશોમાં છેલ્લા 3 દાયકા દરમિયાન ભારતીયોની વસતી 3 ગણી થઇ ગઈ છે.નેથરલેન્ડ,નોર્વે,તથા સ્વીડન જેવા દેશોમાં પણ છેલ્લા 7 વર્ષમાં ભારતીયોની વસતી દોઢ ગણી જેટલી થઇ જવા પામી છે.ભારતથી વિદેશોમાં સ્થાયી થવા માટે જતા નાગરિકોમાં દક્ષિણ ભારતના નાગરિકોની સંખ્યા વધુ જોવા મળી છે.પરંતુ હવે બિહાર ઉત્તરપ્રદેશ તથા પૂર્વ ભારત તેમજ મહારાષ્ટ્રના નાગરિકોની સંખ્યામાં પણ ખાસ્સો એવો વધારો જોવા મળ્યો છે.

 જોકે સામે પક્ષે વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીયો દ્વારા વતનમાં મોકલતા નાણામાં પણ ખુબ વધારો જોવા મળ્યો છે.જે અન્ય દેશોની સરખામણીમાં ઘણો વધારે છે.જે વિદેશી હૂંડિયામણમાં વધારો કરે છે.

(8:36 pm IST)