Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જાતિય સતામણીના કેસમાં રાહુલ જોહરી નિર્દોષ જાહેર

ફરીવાર ફરજ ઉપર હાજર થવાની મંજુરી : બીસીસીઆઈ સીઈઓ રાહુલ જોહરીને થયેલ મોટી રાહત

નવી દિલ્હી, તા. ૨૧ : બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીને આજે કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સની ત્રણ સભ્યોની તપાસ પેનલ દ્વારા જાતિય સતામણીના આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. આ પેનલે બે મહિલા દ્વારા મુકવામાં આવેલા આક્ષેપોને ફગાવી દીધા હતા. પેનલે કહ્યું હતું કે, આક્ષેપો બનાવટી અને ગેરમાર્ગે દોરનાર હતા. છેલ્લા ત્રણ સપ્તાહથી જોહરીને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા પરંતુ હવે તેઓ ફરીવાર નોકરી પર પરત ફરી શકશે. અલબત્ત તપાસ કમિટિના એક સભ્ય દ્વારા તેમના માટે ઝેન્ડર સેન્સીવીટી કાઉન્સિલિંગ માટેની ભલામણ કરી હતી. બે સભ્યોની કમિટિ આ મુદ્દાને લઇને વિભાજિત દેખાઈ હતી. ચેરમેન વિનોદ રાયે જોહરી પરત ફરે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ડાયના ઇન્ડુલજીએ કેટલીક ભલામણોના આધાર પર તેમના રાજીનામાની માંગ કરી હતી જેમાં કાઉન્સિલિંગનો સમાવેશ થાય છે. તપાસ સમિતિના વડા જસ્ટિસ(નિવૃત) રાકેશ શર્માએ પોતાના તારણોમાં કહ્યું હતું કે, જાતિય સતામણીના આક્ષેપો આધારવગરના અને ખોટા છે. સાથે સાથે ઉપજાવી કાઢેલા છે. આના કારણે નુકસાન થઇ રહ્યું છે. ત્રણ સભ્યોની પેનલમાં દિલ્હીના ભૂતપૂર્વ મહિલા પંચના અધ્યક્ષ બરખાસિંહ અને વીણા ગૌડા પણ છે. જોહરી પર આક્ષેપ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. મી ટુની ઝુંબેશ ઉપર તેમના ઉપર પણ આક્ષેપ કરાયો હતો. કમિટિની રચના ૨૫મી ઓક્ટોબરે કરવામાં આવી હતી અને તેને તપાસ પૂર્ણ કરવા ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તેનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવનાર છે. ઇન્ડુલજીએ કહ્યું છે કે, આજે આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવે તે યોગ્ય નથી. અભ્યાસ કરવા માટે વધુ સમય આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. બંને મહિલાઓએ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા.

(7:20 pm IST)