Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કોંગ્રેસ અને પીડીપી દ્વારા સરકાર બનાવવા પ્રયાસ

એનસીનો માસ્ટર પ્લાન તૈયાર

જમ્મુ, તા. ૨૧ : જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થઇ ચુકી છે. કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી મળીને સરકાર બનાવવાના પ્રયાસમાં લાગેલા છે. આ બાબતની માહિતી હવે પીડીપી નેતા અલ્તાફ બુખારીએ આપી દીધી છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન પરત લેવામાં આવ્યા બાદ પીડીપી-ભાજપની ગઠબંધન સરકારનું પતન થયું હતું. ત્યારબાદથી છેલ્લા ઘણા સમયથી ગવર્નર શાસન ચાલી રહ્યું છે. પીડીપીના નેતા અલ્તાફ બુખારીએ કહ્યું છે કે, તેમની પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. ગઠબંધનના પ્રશ્ન ઉપર કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે, અમારુ કહેવું છે કે, એક થઇને સરકાર બનાવવાના પ્રયાસ થવા જોઇએ. સરકાર પડી ગયા બાદથી રાજ્યમાં રાજ્યપાલ શાસન ચાલી રહ્યું છે. ૧૯મી ડિસેમ્બરના દિવસે રાજ્યના રાજ્યપાલ શાસનની છ મહિનાની અવધિ પુરી થઇ જશે. રાજ્યપાલ શાસન કોઇપણ જગ્યાએ નિયમ મુજબ બીજી વખત લાગૂ કરી શકાય નહીં. રાજ્યપાલ શાસન બાદ થોડાક સમય માટે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી શકાય છે.

(7:19 pm IST)