Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સ્ટેન્ટની કિંમત ઘટી હોવા છતાં એન્જીયોપ્લાસ્ટકી સસ્તી ન થઇ

સરકારે સ્ટેન્ટની કિંમત ઘટાડી છતાં અસર ઓછી : ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને વધારે ફાયદો થયો નથી

નવીદિલ્હી, તા. ૨૧: સરકારે એક વર્ષ પહેલા કાર્ડિયેક સ્ટેન્ટની કિંમતમાં ઘટાડો કરી દીધો હતો. આ સ્ટેન્ટની કિંમત નક્કી કરી લેવામાં આવી હતી પરંતુ હજુ પણ જુદી જુદી હોસ્પિટલના બિલમાં તપાસ કરવામાં આવે તો જાણી શકાય છે કે, કિંમતની મર્યાદા નક્કી કરાઈ હોવા છતાં કોઇ વધારે ફાયદો થયો નથી. સ્ટેન્ટ માટે કેટલા રૂપિયા ચુકવવાના રહેશે તે બાબત કઈ હોસ્પિટલમાં દર્દી પહોંચે છે તેના ઉપર આધારિત છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કાર્ડિયેક સ્ટેન્ટની કિંમત ૩૦૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. એક વર્ષ પછી તેની સમીક્ષા કરવામાં આવનાર હતી. વધારે કિંમત નક્કી કરવાના ફાયદા ઉપર નજર કરવામાં આવે તો સરકારી હોસ્પિટલ અને ચેરિટેબલ હોસ્પિટલોમાં દર્દીઓને આનો લાભ થયો છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓને કોઇ ફાયદો થયો નથી. આ હોસ્પિટલોના એન્જીયોપ્લાસ્ટીની પ્રક્રિયામાં ઉપયોગ થનાર અન્ય સાધનો જેમ કે, કેથેટર, બલુનની કિંમતમાં કોઇ અંકુશ નથી. અનેક મોટી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં આ ચીજવસ્તુઓ વધારીને સ્ટેન્ટના માર્જિનમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી રહી છે. રકમ નક્કી કરવામાં આવ્યા બાદથી સ્ટેન્ટની કિંમત ૮૫ ટકા સુધી ઘટી ગઈ છે. બીજી બાજુ એન્જીયોપ્લાસ્ટીની કિંમતમાં ૨૦ ટકાની અસર થઇ છે.

પહેલા દર્દીને બે સ્ટેન્ટની જરૂર રહેતી હતી તો તેઓ એન્જીયોપ્લાસ્ટીની જગ્યાએ ઓપન હાર્ટ સર્જરીને પસંદ કરતા હતા. કારણ કે તેમા ખર્ચ ઓછો રહે છે. હવે લોકો માટે મલ્ટી સ્ટેન્ટીંગની કિંમત ઘટી ગઈ છે જે લોકો ઓપન હાર્ટ સર્જરી માટે આગળ આવી રહ્યા હતા તે હવે એન્જીયોપ્લાસ્ટી કરાવી રહ્યા છે.

(3:47 pm IST)