Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભોપાલમાં હેમામાલિની સભામાં જ બત્તી થઇ ગઇ ગુલઃ પછી હસતા - હસતા પણ ટોર્ચના સહારે કર્યું પ્રવચન

મધ્યપ્રદેશને વીજળીમાં સરપ્લસ બનાવ્યાનો દાવો પણ શિવરાજ સરકાર કરતી આવી છે

ભોપાલ તા. ૨૧ : મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં અજીબોગરીબ કારનામાનો સિલસિલો યથાવત છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ભાજપના સ્ટાર પ્રચારક, મથુરાથી સાંસદ અને બોલિવુડના ડ્રીમગર્લ હેમા માલિનીની સાથે એવી ઘટના બની કે આખી પાર્ટીમાં હડકંપ મચી ગયો. વાત એમ છે કે હેમામાલિની અહીંની નરેલા વિધાનસભા સીટ પર પાર્ટીના ઉમેદવાર વિશ્વાસ સારંગના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હતા. પરંતુ તેમની જનસભામાં પહોંચેલા સભાસ્થળ પર વીજળી ગુલ થઇ ગઇ હતી.

હેમાની સભામાં પહોંચતા જ વીજળી જતા હાજર પાર્ટી કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ દોડતા થઇ ગયા. થોડીવારમાં વીજળી આવી પરંતુ જેવું હેમાએ ભાષણ શરૂ કર્યું કે ફરીથી બત્તી ગુલ થઇ ગઇ.

પોતાની જ સરકારમાં આ બધું જોઇ હેમાને હસું આવી ગયું. ત્યારબાદ મંચ પર હાજર કાર્યકર્તાઓએ જેમ-તેમ મોબાઇલની રોશનીની સગવડ કરી અને હેમાએ તેના સહારે ભાષણ વાંચ્યું.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં છેલ્લાં ૧૫ વર્ષથી ભાજપની સરકાર છે અને એક દાયકાથી વધુ સમયથી શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી છે. ભાજપે અહીં પોતાના સમયમાં વીજળીની પૂરતી ઉપલબ્ધતા માટે 'અટલ જયોતિ' જેવી યોજના પણ ચલાવી હતી. મધ્યપ્રદેશને વીજળીમાં સરપ્લસ બનાયાનો દાવો પણ શિવરાજ સરકાર કરતી આવી છે

(3:47 pm IST)