Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

CBI લાંચ વિવાદ : હરિ ચૌધરી બાદ હવે મંત્રી પરસોત્તમ સોલંકીના PAનું નામ ખુલતા ખળભળાટ

નવી દિલ્‍હી તા. ૨૧ : સીબીઆઈ વિરૂદ્ધ સીબીઆઈના કેસમાં દિવસેને દિવસે નવી ફણગાં ફૂટી રહ્યા છે. બે દિવસ પહેલા સીબીઆઈના એક અધિકારીએ રાકેશ અસ્‍થાના કેસમાં ગુજરાતના સાંસદ તેમજ કેન્‍દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને બે કરોડ ચુકવવામાં આવ્‍યા હોવાની એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરી હતી. આ કેસમાં સીબીઆઈના અધિકારી મનીષસિંહાએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની પણ સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. તેમ ન્‍યુઝ ૧૮ ગુજરાતીનો અહેવાલ જણાવે છે.

હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ કેસમાં તપાસનો રેલો છેક ગાંધીનગર સુધી પહોંચ્‍યો છે. ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના પર્સનલ આસિસ્‍ટન્‍ટ વિપુલ ઠક્કરનું આ કેસમાં નામ ખુલ્‍યું છે. અધિકારીએ દાખલ કરેલી પિટિશનમાં કહેવામાં આવ્‍યું છે કે ગુજરાતના સાંસદ હરિ ચૌધરીને વિપુલ ઠક્કર નામની વ્‍યક્‍તિ મારફતે બે કરોડ પહોંચાડવામાં આવ્‍યા હતા.

ગુજરાતના સાંસદ બાદ હવે ગુજરાતના મંત્રીના PAનું નામ ખુલતા ગાંધીનગર ખાતે મંગળવારે ખળભળાટ મચી ગયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે વિપુલ ઠક્કર વર્ષોથી પરસોત્તમ સોલંકીનો અધિક અંગત મદદનનીશ(PA)રહ્યો છે. જોકે, ગત ટર્મ બાદ તેને ઓર્ડર નથી થયો. સચિવાલયમાં ચાલતી ચર્ચા પ્રમાણે વિપુલ ઠક્કર પણ કેન્‍દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની જેમ બનાસકાંઠા સાથે સંબંધ ધરાવે છે. વિપુલ ઠક્કરને અનેક અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથે નીકટના સંબંધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એવી પણ માહિતી મળી છે કે મંત્રી કાર્યાલયમાં વિપુલ ઠક્કર કામ ન કરતો હોવા છતાં તેની નેમ પ્‍લેટ લાગેલી હતી. જોકે, આ સીબીઆઈકાંડમાં નામ ખુલ્‍યા બાદ વિપુલ ઠક્કરના નામની નંબર પ્‍લેટ ઉતારી દેવામાં આવી છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વિપુલ ઠક્કર હાલ પરસોત્તમ સોલંકીનો અંગત મદદનીશ ન હોવા છતાં મંત્રી કાર્યાલયમાં આવતો જતો રહે છે. હાલ તે વિદેશ ભાગી ગયો હોવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૦૭થી વિપુલ ઠક્કર પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશ તરીકે કામ કરે છે. જોકે, ૨૦૧૭ની ચૂંટણી બાદ પરસોત્તમ સોલંકીને મંત્રી બનાવાયા હતા, પરંતુ વિપુલ ઠક્કરને ઓર્ડર થયો ન હતો. જોકે, સ્‍વર્ણિમ સંકુલ-૨ ખાતે મંત્રી પરસોત્તમ સોલંકીની ઓફિસ બહાર વિપુલ ઠક્કરની નેમ પ્‍લેટ લાગેલી જ હતી.

 

(12:23 pm IST)