Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

દિલ્‍હીમાં ઘૂસ્‍યા બે આતંકવાદીઓઃ પોલીસે જાહેર કરી તસવીર

દિલ્‍હીમાં હાઇ એલર્ટ : સાત આતંકી હોવાની આશંકા

નવી દિલ્‍હી તા. ૨૧ : અમૃતસર બ્‍લાસ્‍ટના બે દિવસ પછી દેશની રાજધાની દિલ્‍હીમાં એલર્ટ જાહેર કરાયો છે. દિલ્‍હી પોલીસે મંગળવારે બે શકમંદોની તસવીર જાહેર કરી હતી. જે જૈશ-એ-મોહમ્‍મદના આતંકી છે. એવી શંકા છે કે કોઈ મોટો હુમલો કરવાની ફિરાકમાં આ આતંકીઓ દિલ્‍હીમાં ઘૂસ્‍યાં છે. ગેસ્‍ટ હાઉસ, હોટેલ્‍સ સહિત અનેક જગ્‍યાઓ પર પોલીસ આ શકમંદની તલાશમાં છે. પોલીસના રડાર પર દિલ્‍હીના એવા વિસ્‍તારો છે જયાં મોટેભાગે વિદેશીઓ આવતાં રહે છે.

દિલ્‍હી પોલીસે શકમંદ આતંકીઓની દિલ્‍હીમાં હાજરીની આશંકા જોતા મંગળવારે સૂચના જાહેર કરી હતી. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો આ બન્નેમાંથી કોઈ શહેરમાં દેખાય તો તરત જ ફોન કરીને પોલીસને સૂચના આપવી. બન્ને સંદિગ્‍ધની તસવીરો શહેરમાં અનેક જગ્‍યાએ લગાવવામાં આવી છે. પોલીસે જે તસવીર જાહેર કરી છે તેમાં બન્ને શકમંદો એક માઈલસ્‍ટોન પાસે ઉભા છે. જેમાં દિલ્‍હી ૩૬૦ કિ.મી દૂર એવું લખેલું છે. ફિરોઝપુર ૯ કિ.મી દૂર પણ લખ્‍યું છે.

નોંધનીય છે કે આ સૂચના એવા સમયમાં આપવામાં આવી છે જયારે બે દિવસ પહેલા જ જૈશના સાત આતંકીઓ રાજધાનીમાં હોવાની આશંકાને લઈને સુરક્ષા દળ હાઈ એલર્ટ પર છે. દિલ્‍હી પોલીસને મળેલા ઈનપુટમાં કહેવાયું છે કે કાશ્‍મિરનો ખૂંખાર આતંકી જાકીર મૂસા પોતાના સાથીઓ સાથે પંજાબના રસ્‍તે દિલ્‍હી અથવા એનસીઆરમાં આશરો લઈ શકે છે.

મંગળવારે દિલ્‍હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. કાશ્‍મીરમાં ગત દિવસોમાં સબ ઈન્‍સ્‍પેક્‍ટરની હત્‍યાના મામલે દિલ્‍હી પોલીસને મોટી સફળતા મળી હતી. સબ ઈન્‍સ્‍પેક્‍ટર ઈમ્‍તિયાઝ અહમદની હત્‍યામાં સામેલ આતંકી અંસાર ઉલ હકને દિલ્‍હી પોલીસની સ્‍પેશિયલ સેલે ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવે છે કે પુલવામાંમાં એસઆઈની હત્‍યામાં તેની મહત્‍વની ભૂમિકા હતી.

(11:21 am IST)