Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ચાણસ્માના પીંપળ ગામ નજીક ઈનોવા ગાડી ટ્રકમાં ઘુસી જતાં યુવકનું કરૂણમોત

૧૦ માસ અગાઉ મૃતક યુવકનાં લગ્ન થયા હતા

ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક રોડની સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ઈનોવા કાર ઘૂસી જતાં ઈનોવામાં સવાર એક યુવકનું ગંભીર ઈજાના કારણે મોત થયું હતું. જ્યારે અન્ય બે જણાને ઈજા થતાં મહેસાણા ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

  આ અનેગની વિગત મુજબ ચાણસ્મા તાલુકાના પીંપળ ગામના વતની અને જૂનાગઢ આંગડિયા પેઢીમાં નોકરી કરતા ઠાકોર કનુજી ચતુરજી તેમના બે મિત્રો કિરણજી દિવાનજી અને ઠાકોર નિકુલજી ઈશ્વરજીને લઈ રાત્રે ૮ વાગે લણવા ગામે ઈનોવા ગાડી (જીજે-૧૧એ એસ-૩૦૧૬)માં પેટ્રોલ ભરાવવા ગયા હતા જ્યાંથી પરત પીંપળ આવી રહ્યા હતા ત્યારે પીંપળ નજીક ટ્રક (પીબી ૦પ ડબલ્યૂ ૯૬૧૩) ને પંકચર પડેલું હોઈ રોડની સાઈડમા ઉભી રાખી હતી, જેની પાછળ ઈનોવા ઘૂસી ગઈ હતી. જે અકસ્માતમાં ઈનોવામાં બેઠેલા ઠાકોર કિરણજી દિવાનજી (ઉ.વ.૧૯)નું ગંભીર ઈજાના કારણે મોત થયું હતું. જ્યારે ઈનોવા ચાલક કનુજી ચતુરજી અને ઠાકોર નિકુલજી ઈશ્વરજીને ગંભીર ઈજા થતાં મહેસાણા ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. મૃતકનું મહેસાણા સિવિલમાં પીએમ કરાયું હતું. ઘટના બાદ ટ્રક ચાલક વાહન મૂકીને નાસી ગયો હતો.
   અકસ્માત અંગે મૃતકના દાદા ઠાકોર સોમાજી માનાજીએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક કિરણજી ઠાકોરના દશેક માસ અગાઉ ચાણસ્મા મીઠીધારીઆલ ગામે લગ્ન થયાં હતાં. આ ઘટનાથી પરિવાર સહિત ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી

(1:00 am IST)