Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સેન્સેક્સમાં ૧૬૩, નિફ્ટીમાં ૪૦ પોઈન્ટનો ઊછાળો આવ્યો

સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં બજારમાં તેજીનો માહોલ : ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં ૮૨૫ પોઈન્ટની વધઘટ

મુંબઈ, તા.૨૧ : બુધવારે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં શેર બજારોમાં તેજ રહી હતી અને સેન્સેક્સ ૧૬૩ પોઈન્ટના ઊછાળા સાથે બંધ રહ્યો હતો.  ઊતાર-ચઢાવવાળા કારોબારમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૬૨.૯૪ પોઈન્ટ એટલે કે ૦.૪૦ ટકા વધીને ૪૦,૭૦૭.૩૧ ના સ્તર પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન તેમાં ૮૨૫.૫૪ પોઇન્ટની વધઘટ થઈ હતી. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૪૦.૮૫ પોઈન્ટ એટલે કે ૦.૩૪ ટકા વધીને ૧૧,૯૩૭.૬૫ ની સપાટીએ બંધ રહ્યો છે.

સેન્સેક્સ શેરોમાં પાવરગ્રિડ સૌથી વધુ ઊંચકાયો હતો. તેમાં ૪ ટકાથી વધુનો ફાયદો થયો છે. તે પછી ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, એનટીપીસી, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને કોટક બેંકે પણ સારું પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ, જે શેરોમાં ઘટાડો થયો હતો તેમાં ટીસીએસ, નેસ્લે ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેકનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે એશિયાના અન્ય બજારોમાં  હોંગકોંગ, જાપાન, ટોક્યો અને દક્ષિણ કોરિયા સિયોલ ચીનમાં સકારાત્મક સ્થિતિમાં બંધ થયા છે, જ્યારે ચીનમાં શાંઘાઈ બજાર નુકશાનમાં હતું. યુરોપમાં, મુખ્ય બજારોમાં પ્રારંભિક વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આનું મુખ્ય કારણ યુકે સરકારના દેવાની અંગેની જાહેરાત છે.

તેમણે કહ્યું કે નાણાકીય વર્ષના પહેલાં ક્વાર્ટરમાં તેનું ઋણ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૧.૧૪ ટકા ઘટીને  ૪૨.૬૭ ડોલર પ્રતિ બેરલ રહ્યું છે. વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૯ પૈસા તૂટીને ૭૩.૫૮ ની સપાટીએ બંધ રહ્યો છે.

(7:21 pm IST)