Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કોરોનાથી રક્ષણ આપતા N95 માસ્ક હવે દરેકને પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ

હોલસેલ તથા રીટેઇલમાં માત્ર ૭ રૂપિયાથી માંડી ૧રપ રૂપિયા સુધી ગવર્નમેન્ટ એપ્રુવ્ડ N95 માસ્ક મળી રહ્યા છે - N95 માસ્કમાં આવતા 'મેટબ્લોન' લેયરને કારણે અલગ-અલગ કિંમત જોવા મળે છેઃ મેન્યુફેકચરર્સની સંખ્યા પણ વધીઃ માત્ર ગુજરાતમાંજ ૧૦૦ થી વધુ ફેકટરીઓમાં N95 માસ્ક બને છે

 રાજકોટ તા. ર૧ : 'જબ તક દવાઇ નહીં., તબ તક ઢીલાઇ નહીં' સ્લોગન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તાજેતરમાં જ આપવામાં આવ્યું છે. આ સ્લોગન સંદર્ભે કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરવા ઉપર ખૂબજ ભાર આપવામાં આવ્યો છે. માસ્ક પહેરવાની સતત તકેદારી રાખવાથી ચોક્કસપણે કોરોનાને દૂર રાખી શકાય  છે તેવું ટોચના તબીબી સૂત્રો પણ છેલ્લા સાતેક મહિનાથી સાબિતી સાથે જણાવી રહ્યા છે.

ભારતમાં માર્ચ ર૦ર૦માં કોરોના સંદર્ભે જનતા કર્ફયું એક દિવસ માટે આપવામાં આવ્યો અને ત્યારબાદ તુરત જ માત્ર બે દિવસ પછી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું માસ્ક, સેનિટાઇઝર, સોશ્યલ ડીસ્ટન્સીંગમાં વિગેરેને વ્યકિતના જીવનમાં મોટે ભાગે અનિવાર્ય ગણવામાં આવ્યા.

શરૂઆતમાં સાદા નોનવુવન થ્રી લેયર માસ્કથી લઇને કોટનના, નેટવાળા, વધુ લેયરવાળા સાંભળવા મળ્યા મુજબ કોરોના સામે ૯પ ટકા જેટલું રક્ષણ આપતા N95 માસ્ક વિગેરે લેવા માટે લોકો પડાપડી કરતા હતા. ઘણા સંજોગોમાં તથા ચોકકસ કવોલિટી-કંપનીના માસ્કની તો અમુક વખતે શોર્ટેજ પણ જોવા મળી હતી. કોરોના સામે વધુ સુરક્ષિત ગણાતા N95 માસ્કની તો ભારે ડીમાન્ડ રહેતી હતી.અમુક બ્રાન્ડના N95 માસ્કતો બજારમાં ૧પ૦ થી માંડીને ૩પ૦ રૂપિયા સુધી બિન્દાસપણે વેચાતા જોવા મળતા હતા.

પરંતુ કોરોનાથી રક્ષણ આપતા N95 માસ્ક હાલમાં દરેકને પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. ઘણા લોકો તો મિનિમમ ચોક્કસ કવોન્ટીટી સાથે માત્ર ૭ રૂપિયામાં હોલસેલમાં N95 માસ્ક બજારમાં વેચી રહ્યા છે. સેવાકીય સંસ્થાઓ તથા વિવિધ ચેરીટી ટ્રસ્ટો દ્વારા લોકોમાં હવે N95 માસ્કનું વિતરણ થઇ રહ્યું  છે. આટલી ઓછી કિંમતે મળતા N95 માસ્ક ગવર્નમેન્ટ એપ્રુવ્ડ પણ હોય છે તથા તેનું પાકું બિલ પણ મળતું હોવાનું જાણવા મળે છે.

બજારમાં અલગ-અલગ કંપનીના N95 માસ્ક હાલમાં હોલસેલ -રીટેઇલમાં ૭ રૂપિયા છે. ISI નો માર્કો પણ હોય જ છે. સોશ્યલ મિડીયા દ્વારા પણ પુષ્કળ માર્કેટીંગ થઇ રહ્યું છે દરેક લોકો સહેલાઇથી ખરીદી પણ શકે છે.

N95 માસ્ક જ હોવા છતા પણ અલગ-અલગ કિંમત હોવા સંદર્ભે દવા-બજારના સુત્રો જણાવે છે કે N95 માસ્કમાં કુલ પાંચ લેયર હોય છે, જેમાં ત્રણ લેવર નોનવુવનના તથા બે લેયર મેટબ્લોનના હોય છે. આમાં સાચું મહત્વ અને કિંમત મેટબ્લોનની હોય છે જેની કવોલિટી તથા વપરાશ મુજબ કિંમત સાંભળવા મળતી હોય છે મેટબ્લોનનો ભાવ કિલો ઉપર હોય છે.

સાથે -સાથે N95 માસ્ક બનાવતા મેન્યુફેકચરર્સ પણ ઘણા વધી ગયા છે, જેને કારણે પણ કોમ્પીટીશન વધી ગઇ છે. N95 માસ્ક બનાવવા માટેની મશીનરી-ટેકનોલોજી પણ ઘણી મોંઘી આવતી હોય છે. માત્ર ગુજરાતમાં જ ૧૦૦ થી વધુ ફેકટરીઓ N95 માસ્કનું મોટા પાયે ઉત્પાદન કરતી હોવાનું તબીબી ક્ષેત્રમાંથી જાણવા મળે છે. ૮ થી ૯ કારખાના તો રાજકોટમાં જ છે. આમ 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત N95 માસ્કનું ઉત્પાદન પણ મોટાભાગે દેશમાં જ થવા લાગ્યું છે. સમગ્ર દેશમાં રોજના લાખો માસ્કની ખપત થઇ રહી છે. જો કે છેતરપિંડી સામે પણ સાવધ રહેવું જરૂરી છે.

ઘણી વખત N95 માસ્કમાં ઓરીજીનલ મેટબ્લોન તથા નોન વુવનના જરૂરી લેયર જોવા મળતા નથી, પરંતુ પ્લાસ્ટેડ ફાઇબર વાળા છેતરામણા લેયર પણ આવતા હોવાની ચર્ચા છે.(૬.૭)

કંપની બ્રાન્ડ તથા એક્ષ્પોર્ટના ઓર્ડર મુજબ પણ N95 માસ્કના ભાવ

અલગ-અલગ ઘણી બ્રાન્ડની કંપનીઓ કવોલિટીયુકત N95 માસ્ક બનાવી રહી છે. જેમ કે 3M, વિનસ, પિૂજ વિગેરે કંપનીઓના N95 માસ્કમાં વપરાતું રો મટીરીયલ, માસ્કની ડીઝાઇન તથા ડીમાન્ડ, અલ્ટ્રામોર્ડન મશીનરી વિગેરેને કારણે કિંમતમાં ફેરફાર જોવા મળે છે. હોસ્પિટલો તથા મોટી ઇન્ડસ્ટ્રીઝમાં મોટાભાગે આવા ઉપરોકત લક્ષણો ધરાવતા N95 માસ્ક વપરાતા હોય છે.ગુજરાત તથા દેશના મેન્યુફેકચરર્સ હવે. N95 માસ્કને એક્ષ્પોર્ટ પણ, કરી રહ્યાનું જાણવા મળે છે. ગુજરાતમાં અમદાવાદ,રાજકોટ, સુરત, વલસાડ વિગેરે જગ્યાએ N95 માસ્ક બની રહ્યા છે.

(3:18 pm IST)