Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ડિસેમ્બરમાં મોર્ડનાની વેકસીનને મળી શકે છે મંજુરી

જો નવેમ્બરમાં વેકસીનના ત્રીજા ચરણના માનવ પરિક્ષણના સકારાત્મક પરિણામો આવશે તો

વોશિંગ્ટન,તા. ૨૧: કોરોનાની રસી બાબતે એક સારા સમાચાર છે. અમેરિકન કંપની મોડર્ના ઇન્કના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) સ્ટીફન બેંસલે કહ્યું કે જો નવેમ્બરમં રસીના ત્રીજા તબક્કાના પરિક્ષણના સકારાત્મક પરિણામો આવશે તો અમેરિકન સરકાર ડીસેમ્બરમાં તેના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી શકે છે. મંગળવારે બેંસલે એક અખબારના વાર્ષિક સમારોહને સંબોધિત કરતા કહ્યું કે જો ત્રીજા તબક્કાના પરિક્ષણના પર્યાપ્ત વચગાળાના પરિણામો આવવામાં મોડુ થશે તો આવતા વર્ષ સુધી રસી આવવાની આશા નથી.

મોડર્નાએ જુલાઇમાં ૩૦,૦૦૦ વોલંટીયરો પર ત્રીજા તબક્કાનું માનવ પરીક્ષણ શરૂ કર્યું હતું. પરીક્ષણ દરમ્યાન ૫૦ ટકા વોલંરીયરોને રસીનો ડોઝ અપાયો હતો અને બાકીના વોલંટીયરોને પ્લેસબડે આપવામાં આવ્યો હતો. કંપનીના સીઇઓનું કહેવું છે કે કોરોના રસીની અસરને તપાસનારો તેનો પહેલો વિશ્લેષણ રિપોર્ટ નવેમ્બરમાં આવી શકે છે. પણ તે કયાં સુધીમાં આવશે તે નક્કી નથી.

આમ તો પહેલો વચગાળાને વિશ્લેષણ રિપોર્ટ તેના આધારે તૈયાર થાય છે કે સંપૂર્ણ પરિક્ષણ દરમ્યાન ૫૩ વોલંટીયર કોરોના સંક્રમિત થયા કે નહીં. જો આ ૫૩ લોકોમાં વેકસીન લેનાર વ્યકિતઓની સંખ્યા પ્લેસબો લેનાર વ્યકિતઓથી ઉલ્લેખનીય રૂપે ઓછી હોય તો કંપની રસીની મંજૂરી માટે અરજી કરશે.

કંપનીના સીઇઓએ જણાવ્યું કે જો પહેલા વચગાળાના વિશ્લેષણમાં રસીની અસર પુરતી નહીં હોય તો તે બીજુ વિશ્લેષણ ત્યારે કરશે. જ્યારે ૧૦૬ વોલંટીયરમાં સંક્રમણના લક્ષણો દેખાશે. તેમાં ડીસેમ્બર સુધીમાં સમય લાગી શકે છે. અને એ પરિસ્થિતીમાં આવતા વર્ષના જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના શરૂઆતના સપ્તાહમાં મંજૂરી મળી શકે છે.

બેંસલે જણાવ્યું કે રસી સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે પરિક્ષણમાં સામેલ  ઓછામાં ઓછા ૫૦ ટકા વોલંટીયરની સુરક્ષાની બે મહિના સુધી નિગરાણી રાખવી જરૂરી છે.

અને પછી જ તે ઇમર્જન્સી ઉપયોગ માટે અરજી કરી શકે છે. આ કામ પણ નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં પુરૂ થવાની આશા છે. જો મોડર્ના તેના પછી તાત્કાલિક અરજી કરે તો પણ અરજીની તપાસમાં થોડા સપ્તાહ લાગી જશે અને પછી ડીસેમ્બરમાં તેનો નિર્ણય જાહેર થશે.

(11:01 am IST)