Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

"કોરું સંબોધન નહિ નક્કર સમાધાન આપો": પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પર કોંગ્રેસે નિશાન સાધ્યું

મોદીજી કેટલી વાર એકબીજાથી વિરોધી અસત્ય બોલીને દેશના લોકોને ભ્રમિત કરશે. ?

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીએ મંગળવારે સાંજે 6 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ પોતાના આ સંબોધનમાં કોરોના મહામારી અંગે વાત કરી હતી. વડાપ્રધાને કરેલા સંબોધન બાદ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે તેની ટિકા કરી છે.

પીએમ મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપતા વિપક્ષ કોંગ્રેસે કહ્યું કે દેશને કોરુ ભાષણ નહીં પણ ઠોસ સમાધાન જોઇએ છે. કોંગ્રેસના પાર્ટી મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા અને પ્રવક્તા પવન ખેડાઈ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 24 માર્ચ 2020ના રોજ મોદીજીએ કહ્યું હતું તે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું અને કોરોના સામે યુદ્ધ જીતવામાં 21 દિવસ લાગશે. પરંતુ આજે 210 દિવસ બાદ પમ આખા દેશમાં કોરોના સામેની મહાભારત ચાલી રહી છે. લોકો મરી રહ્યા છે પરંતુ મોદીજી સમાધાનની જગ્યાએ ટેલીવિઝન ઉપર ભાષણ આપી રહ્યા છે.

તેમણે સરકાર ઉપર આરોપ લગાવ્યો છે કે કોરોના સામેની લડાઇમાં મોદી સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. આ મહામારીના સમયમાં ભાજપે દેશના લોકોને બેહાલ છોડી દીધા છે. ભારત આજે દુનિયાનું કોરોના કેપિટલ બની ગયું છે. 19 ઓક્ટોબર 2020ના આકંડા પ્રમાણે કોરોના કેસોની સંખ્યામાં ભારત પહેલા નંબર ઉપર છે.

તેમણે આગળ જણાવ્યું કે 100 દિવસની અંદર ભારતમાં કોરોના કેસોની સંખ્યા એક લાખથી વધીને 75 લાખ થઇ ગયા. કોંગ્રેસી નેતાઓએ આગળ કહ્યું કે મોદીજીએ સંબોધનમાં કહ્યું કે દવા આવવા સિવાય કોરોના ખતમ થવાની કોઇ આશા નથી. સમજ નથી પડતી કે મોદીજી કેટલી વાર એકબીજાથી વિરોધી અસત્ય બોલીને દેશના લોકોને ભ્રમિત કરશે.

(10:22 am IST)