Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કમલેશ તિવારીની હત્યા બાદ મધ્યપ્રદેશના ઉજ્જૈનના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને શબ્બીર નામના શખ્સ દ્વારા મારી નાખવાની ધમકી

ઉજ્જૈન: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાથી રાજકીય ભૂકંપ આવી ગયો છે. હજુ તો આ ઘટનાનું કોકડું ઉકેલાયું નથી ત્યાં અન્ય એક હિન્દુવાદી નેતાને મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મધ્ય પ્રદેશના ઉજ્જૈનના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને મળી છે. મળતી માહિતી મુજબ ઉપદેશ રાણાને ફોન દ્વારા આ ધમકી અપાઈ છે. તેમના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો. જેમાં શબ્બીર નામના વ્યક્તિએ તેમને મારી નાખવાની ધમકી આપી છે.

ઉપદેશ રાણાએ તેમને જીવનું જોખમ હોવાનું કહ્યું છે. ત્યારબાદ તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી છે. માકડૌન પોલીસ મથકમાં તેમના સાથી દિલિપ ચૌહાણે ફરિયાદ દાખલ કરી છે જેમાં કહેવાયું છે કે ઉપદેશ રાણાને મોબાઈલ પર ફોન કરીને શબ્બીર નામની કોઈ વ્યક્તિએ ધમકી આપી અને ઉત્તર પ્રદેશના કમલેશ તિવારી જેવા હાલ કરવાની વાત કરી છે.

આ મામલે ઉપદેશ રાણાનું કહેવું છે કે તેમણે તેની જામકારી માકડૌન પોલીસ મથકમાં આપી છે. જો કે તેમણે પોલીસ ઉપર પણ તેમની ફરિયાદ ગંભીરતાથી નહીં લેવાનો આરોપ લગાવ્યો છે. ઉપદેશ રાણાનું સ્પષ્ટપણે કહેવું છે કે તેમના કાર્યક્રમ પહેલાની જેમ જ રહેશે. એટલું જ નહીં ઉપદેશ રાણાએ સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાની વાત પ્રશાસન સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. પોતાની ફરિયાદમાં તેમણે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ડીજીપીને પણ ટેગ કર્યા છે.

(5:41 pm IST)