Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સેબીએ ઓડિટર્સના રાજીનામાને લઇ નિયમો કડક કર્યા

ઓડિટરે જે કવાર્ટરમાં રાજીનામું આપવા નિર્ણય કર્યો હોય તેનો સંપૂર્ણ રિપોર્ટ આપવો પડશે

નવી દિલ્હી તા. ર૧: માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના ઓડિટર્સના રાજીનામા સાથે સંકળાયેલા નિયમો વધુ કડક બનાવ્યા છે. સેબીએ જણાવ્યું છે કે ઓડિટરે જે કવાર્ટરમાં રાજીનામું આપવાનું હોય તે કવાર્ટરનો રિવ્યૂ તેમણે પોતાના રાજીનામા પહેલાં સુપરત કરવો પડશે. આ રિવ્યુમાં મર્યાદિત અથવા સંપૂર્ણ ઓડિટ રિપોર્ટનો પણ સમાવેશ કરાયો છે.

જેમ કે જો ઓડિટર નવેમ્બર-ર૦૧૯માં રાજીનામું આપવાનો નિર્ણય કરે તો તેણે ઓકટોબર-ડિસેમ્બર-ર૦૧૯ના કવાર્ટરમાં ફાઇનાન્શિયલ રિવ્યુ ઇશ્યૂ કરવો પડશે. આ ઉપરાંત લિસ્ટેડ કંપની અને સબસિડિયરી કંપનીઓના ઓડિટરે રાજીનામું આપવાનાં પોતાનાં કારણો જણાવવા પડશે.

સેબી દ્વારા આ અંગે જારી કરવામાં આવેલ પરિપત્રનો તત્કાળ અસરથી અમલ શરૂ થશે. જો ઓડિટર કોઇપણ નાણાકીય વર્ષના ત્રણ કવાર્ટરના ઓડિટ રિપોર્ટ પર સહી કરશે તો તેમણે સમગ્ર નાણાકીય વર્ષ માટે ઓડિટ રિપોર્ટ તૈયાર કરવો પડશે. રાજીનામું આપનાર ઓડિટરે એ પણ જણાવવું પડશે કે તેમણે એવી કઇ કઇ માહિતી માગી હતી, જે તેમને મળી નથી.

(4:00 pm IST)