Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

આતંકીઓ ભીંસમાં : હથીયારો ખતમ થવામાં: આકાઓ પાસે તાત્કાલીક મદદ માંગી

જમ્મુ-કાશ્મીરમાં ભારે સુરક્ષા બંદોબસ્તથી બચ્ચા-કુરયા આતંકીઓ ફફડી ઉઠયાઃ પાકિસ્તાન શિયાળા પહેલા વધુ આતંકીઓ ઘુસાડવાની ફીરાકમાં : અકારણ સતત અંધાધુધ ગોળીબાર : બીએસએફની સાથે પંજાબ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પુરી સર્તકઃ ઘુસણખોરીનું ષડયંત્ર પાર નહિ પડેઃ આર્મી ચીફ રાવત

નવી દિલ્હીઃ કાશ્મીરમાં જેમ-જેમ સામાન્ય સ્થિતિ બહાલ થતી જાય છે તેમ-તેમ પાકિસ્તાનના પેટમાં તેલ રેલાઇ રહયું છે. હવે પાકિસ્તાન સરકાર પણ માનવા લાગી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરના રોદણાથી કંઇ હાંસલ થાય તેમ નથી. ઉપરાંત ભારતના કાશ્મીરમાં સુરક્ષા બંદોબસ્તથી આંતકીઓ અને સીમા પારના તેમના આકાઓ વચ્ચેનો સંપર્ક પણ તુટી ગયો છે. સાથો સાથ આતંકીઓ પાસેના હથીયારો પણ પુરા થઇ ગયા છે.

પાકિસ્તાને નિયંત્રણ રેખાએ અંધાધુધ ફાયરીંગની આડમાં આંતકીઓને ભારતમાં ઘુસાડવા પ્રયત્નો શરૂ કર્યા છે. ભારતની જાસુસી સંસ્થાઓ મુજબ આવનાર બે અઠવાડીયા કે તેથી વધુ સમય સતર્કતા રાખવી પડશે. બરફવર્ષા શરૂ થાય તે પહેલા પાકિસ્તાન દ્વારા ફાયરીંગ કરી ધુસણખોરી કરાવવાની કોશીશો થશે.

આ ઉપરાંત જાસુસી સંસ્થાઓને મળેલ ઇનપુટના આધારે કાશ્મીરના ખુણે ખાચરે બચેલા આતંકીઓએ સીમા પાર પોતાના આકાઓને હથીયારો અને ગોળા-બારૂદની અછત હોવાનું અને તાત્કાલીક હથીયારો મોકલવા જાણ કરી છે. તેવામાં પાકિસ્તાન કોઇપણ ભોગે આંતકીઓને ભારતમાં ઘુસાડવાની પૈરવીમાં છે. ભારત-પાકિસ્તાનની બોર્ડરે હજુ બરફવર્ષાની શરુઆત જ છે જે બે અઠવાડીયામાં વધશે. શિયાળા પહેલા પાકિસ્તાન ગમે તેમ કરી આતંકીઓને ભારતમાં મોકલવા હવાતીયા મારી રહયું છે.

આર્મી ચીફ બિપીન રાવતે પાકિસ્તાનની ઘુષણખોરીનું નવું ષડયંત્ર ખુલ્લુ પાડતા જણાવેલ કે ૩૭૦ની કલમ રદ થયા બાદ કાશ્મીરમાં શાંતિ સ્થાપીત થઇ રહી છે. સફરજનનો વેપાર શરૂ થઇ ગયો છે. શાળાઓ ખુલી ગઇ છે. પણ પાકિસ્તાન શાંતિ ભંગ કરવા હવાતિયા મારે છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૭૦ની કલમ હટાવ્યા બાદ તકલીફ છે તે જુઠાણું ફેલાવી શકે. અમારી પાસે પાકી માહિતી છે કે પાકિસ્તાન નવા રસ્તેથી આતંકીઓ મોકલવાની ફિરાકમાં છે. પણ બીએસએફની સાથે પંજાબ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પુરી રીતે સર્તક છે જેથી નાપાક ષડયંત્ર પાર ન પડે.

ભારતીય સૈન્યના સુત્રો મુજબ પાકિસ્તાનની હતાશાનો અંદાજોએ ઉપરથી આવે છે કે ૩૭૦ની કલમ હટયા બાદ પાડોશી દેશે અકારણ ૬૦૦ વાર ગોળીબાર કર્યા છે. જયારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ૨૦૫૦ વખત પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે.

(3:48 pm IST)