Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ઇડીનો મોટો ખુલાસો

રતુલપુરીએ નાઇટ કલબમાં એકજ રાતમાં ૭.૮ કરોડ રૂપિયા ઉડાડયા

ભોપાલ તા ૨૧  :  મધ્ય પ્રદેશના કોન્ગ્રેસી મુખ્ય પ્રધાન કમલનાથના ભાણેજ રતુલ પુરીને લઇને ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટર) દ્વારા સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે. રતુલપુરી સામે મની લોન્ડરિંગના મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલામાં ઇડીની ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે કે રતુલ પુરીએ અમેરિકાની એક નાઇટ કલબમાં એકજ રાતમાં ૧૧.૪૩ લાખ ડોલર એટલેકે ૭.૮ કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હતો. આ ખુલાસા બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઇ છે.

પુરી સિવાય ચાર્જશીટમાં તેના સહયોગી તેમજ મોઝર બેયર કંપનીનું પણ નામ છે. પુરી આ કંપનીનો કાર્યકારી નિર્દેશક છે. ઇડીએ ચાર્જશીટમાં કહયું છે કે '' નાણાકીય લેવડદેવડનો ઉપયોગ ભારતમાં અને વિદેશમાં મોંઘી હોટલોમાં રોકાવા થયો હતો.  પ્રોવોકેટર નામની નાઇટ કલબમાં પુરીએ ૭.૮ કરોડ રૂપિયા વાપર્યા હતા.''

એજન્સીનો દાવો છે કે ૨૦૧૧ થી ૨૦૧૬ ની  વચ્ચે પુરીનો વ્યકિતગત ખર્ચ૩૫  કરોડ રૂપિયા હતો.  પુરીએ ૮૦૦૦ કરોડનું મની લોન્ડરિંગ કર્યુ છે, જે શરૂઆતમાં લગાવાયેલા અંદાજ કરતા ઘણું વધારે છે.ઇડીનો દાવો છે કે મોઝર બેયર કંપનીએ બેન્કો દ્વારા અપાયેલી લોનને પોતાની સબસિડિયરી કંપનીઓને ટ્રાન્સફર કરી નાખી હતી. આ બોગસ કંપનીઓ થકી મનીલોન્ડરિંગ કરાયું હતું. આ ચાર્જશીટમાં ડઝનબંધ કંપનીઓનો ઉલ્લેખ કરાયો છે.

૧૧૦ પાનાની ચાર્જશીટમાં કહેવાયું છે કે, મોઝર બેયર દ્વારા કેટલાંક વર્ષોમાં પોતાની સહયોગી અને સબસિડિયરી કંપનીઓમાં ૮૦૦૦ કરોડનું રોકાણ કરાયું છે, બેન્કો પાસેથી મળેલી લોનનો દુરૂપયોગ કરાયો છે.

(3:56 pm IST)