Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સવા ત્રણ લાખ દિવડાઓથી સરયુ નદીનો કિનારો ઝળહળશે

અયોધ્યામાં વિજળીના નહીં માટીના દિવડાઓનો ઝગમગાટ : રેકોર્ડ બનાવાશે : ભગવાનને નવા વસ્ત્રાલંકારો : ચોમેર ખુશીની લહેર

લખનવ તા. ૨૧ : દિવાળીનો પાંચ દિવસીય તહેવાર અયોધ્યામાં ઉમંગભેર મનાવાશે.

આ વખતે અયોધ્યાને વિજળીની રોશનીથી નહીં દેશી દિવડાઓથી ઝગમગાવવા અનેરૂ આયોજન કરાયુ છે.  સરયુ નદીના કિનારે ૩ લાખ ૨૮ હજાર માટીના દિવડાઓ પ્રગટાવી વલ્ડ રેરોર્ડ બનાવવાની તૈયારીઓ જોરશોરથી આદરવામાં આવી છે.

આમ તો સદીયોથી અયોધ્યામાં માટીના દિવડા પ્રગટાવવાની પરંપરા ચાલી આવે છે. સાથો સાથ દિવાળી પુર્વે મંદિરોમાં સાફ સફાઇ કરવામાં આવે છે. ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી નવા વસ્ત્રો અને અલંકારો પહેરાવવામાં આવે છે.

શ્રીરામ જન્મ ભુમિ વિવાદીત પરિસરમાં બિરાજમાન શ્રીરામ લલ્લાના ગર્ભ ગૃહમાં દર વર્ષે દિવાળીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

શ્રીરામ જન્મભૂમિના મુખ્ય અર્ચક આચાર્ય શ્રી સત્યેન્દ્રદાસે જણાવ્યુ છે કે શ્રીરામ જન્મ ભુમિ વિવાદીત પરિસરમાં બિરીજતા શ્રી રામલલ્લાના ગર્ભ ગૃહમાં આ વર્ષે પણ વિશેષ પૂજન કરાશે. આ અવસરે અયોધ્યામાં છ હજાર નાના મોટા મંદિરોમાં ભગવાનના ગર્ભ ગૃહમાં  માટીના દીવડાઓ પ્રગટાવવામાં આવશે.

આની પાછળની માન્યતા એવી હોય છે તે ધરતી માતાની માટીમાંથી બનતા આ દિવડાઓ પ્રકાશિત થવાથી ધન ધાન્ય અને સંપતિમાં બરકત રહે છે. અંધકારનો નાશ થાય છે અને ઉજાસ રેલાય છે.

આ દિવડા તૈયાર કરવા કુંભાર ભાઇઓ દ્વારા પુર્વ દિવસોમાં જ તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. માટીને સાફ કરી પલાળી તેમાંથી દિવડા તૈયાર કરવામાં આવે છે. કાચા દિવડાઓને આગમાં તપાવી પાકા કરવામાં આવે છે. પછી બજારમાં મુકવામાં આવે છે. આમ શુભ દિવાળીના તહેવારને લઇને અયોધ્યામાં અનેરા ઉમંગની લહેર પ્રસરી છે. ચોમેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. (૧૬.૨)

ભગવાનને નવા વસ્ત્રાલંકારો

રામ વલ્લભા કુંડના મુખ્ય અધિકારી શ્રી રાજકુમારદાસ મહારાજે જણાવ્યા મુજબ સદીઓથી અહીં મંદિરમાં દિવાળી પર્વે ભગવાનને વિશેષરૂપમાં શણગાર કરવામાં આવે છે. નવા વસ્ત્રો પહેરાવી નવા અલંકારો ચડાવવામાં આવે છે. જાત જાતના પકવાન બનાવીને ભોગ ધરાવવામાં આવે છે. રામ દરબારમાં શુધ્ધ ઘીના દિવડા પ્રગટાવવામાં આવે છે. મંદિરમાં મુખ્ય પૂજારી દ્વારા પૂજા અર્ચના બાદ સાધુ સંત સમાજ પૂજા કરે છે. ત્યાર પછી લોકો દિવડા પ્રગટાવે છે.

(11:39 am IST)