Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

હેલ્મેટ-પીયૂસીની મુકિતની મુદ્દત નહિ વધારાય, લાભ પાંચમથી અમલ

ભૂલો ભલે બીજુ બધુ, ટ્રાફિકના નિયમ પાળવાનું ભૂલશો નહિઃ વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુની અકિલા સાથે વાતચીતઃ સરકારે પૂરતો સમય આપ્યો, કાયદો લોકોના ભલા માટે છે, લોકો સહકાર આપે

રાજકોટ તા.૨૧: રાજય સરકારે ૩૧ ઓકટોબર સુધી રાજયમાં હેલ્મેટ અને પી.યૂ.સીનો અમલ મોકુફ રાખેલો. તેનો નવા વર્ષની શરૂઆત તા.૧ નવેમ્બર લાભ પાંચમથી અમલ થનાર છે હવે પછી મુદત નહિ વધારવાનો વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ નિર્દેષ કર્યા છે.

રાજય સરકારે ટ્રાફિકના નવા નિયમ મુજબ દંડની જોગવાઇમાં રાહત આપ્યા બાદ તા.૧૬ સપ્ટેમ્બરથી હેલ્મેટ-પીયૂસી વગેરે ફરજીયાતનો અમલ શરૂ કરેલ. પી.યૂ.સી. કેન્દ્રો પર લાઇનો લાગતા તેમજ હેલ્મેટ ખરીદવા પડાપડી થતા હોબાળો સર્જાયંેલ લોકોની અગવડતાને ધ્યાને રાખીને સરકારે પહેલા ૧૫ ઓકટોબર સુધી અને પછી ૩૧ ઓકટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને આધુનિક નંબર પ્લેટમાંથી  મુકિત આપી છે હવે તે મુદત પૂરી થવામાં છે.

હાલ પી.યૂ.સી. સાથે ન હોય અથવા ટુ વ્હીલર્સ વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યુ હોય તો દંડમાંથી મુકિત છે. હવે મુદત પૂરી થતા સરકાર તેનો અસરકારક અમલ કરાવવા માંગે છે.

દરમિયાન આજે સવારે વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવેલ કે સરકારની દ્રષ્ટિએ પ્રત્યેક માનવ જીવન ખૂબ કિંમતી છે હેલ્મેટ લોકોના હિત માટે છે સરકારે પી.યુ.સી. મેળવી લેવા અને હેલ્મેટ ખરીદવા માટે લોકોને પૂરતો સમય આપ્યો છે. તા.૩૧ ઓકટોબર મુકિતની મુદત પૂરી થઇ રહી છે. હવે મુદત વધારવાની સરકારની કોઇ વિચારણા નથી. તા.૧ નવેમ્બર (લાભ પાંચમથી) સરકાર ટ્રાફિકના તમામ નવા નિયમોનો અમલ કરાવવા માંગે છે. લોકો સરકારની લાગણી સમજી સહકાર આપે તેવી મારી અપીલ છે.

(11:38 am IST)