Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કટ્ટરપંથી નફરતમાં આંધળા લોકોને ખ્યાલ નથી કે પ્રોફેશનલ વ્યક્તિ શું હોય : ગોયલના નિવેદન પર રાહુલ ગાંધીનો કટાક્ષ

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અર્થશાસ્ત્રી અભિજીત બેનરજી પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની ટિપ્પણને લઈને તેમના પર નિશાન સાધ્યું છે. રાહુલે ગોયલ પર કટાક્ષ કરતા કહ્યું કે આ લોકો કટ્ટરપંથી નફરતમાં આંધળા બની ગયા છે અને તેમને એટલો પણ ખ્યાલ નથી કે પ્રોફેશનલ વ્યક્તિ શું હોય છે.

રાહુલે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા કરાયેલી ટિપ્પણી પર પોતાનું નિવેદન આપ્યું હતું. પુણેમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોયલે નોબેલ વિજેયા બેનરજી અંગે કહ્યું કે તે 'ડાબેરી વિચારધારા' વાળા વ્યક્તિ છે. ત્યારબાદ બેનરજીએ શનિવારે એક ટીવી ચેનલમાં વાતચીતમાં જણાવ્યું કે કોમર્સ મિનિસ્ટર મારા પ્રોફેશનાલિઝમ પર સવાલ ઊભો કરી રહ્યા છે.

ગાંધીએ પીયૂષ ગોયલની ટિપ્પણી પર બેનરજીના જવાબ સાથેનો એક અહેવાલ ટાંકીને ટ્વિટર પર જણાવ્યું કે, 'પ્રિય મિસ્ટર બેનરજી, આ લોકો કટ્ટરપંથી ઘૃણામાં આંધળા થઈ ગયા છે અને તેમને એટલી પણ ખબર નથી કે પ્રોફેશનલ વ્યક્તિ શું હોય છે. તમે એક દાયકા સુધી પ્રયાસ કરશો છતા પણ આ લોકોને સમજાવી નહીં શકો.' કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે વધુમાં ઉમેર્યું કે, 'તમારા કામ ઉપર લાખો ભારતીયોને ગર્વ છે.'

ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે લઘુત્તમ આવક યોજના પર બેનરજીના સુચનને ભારતીય મતદારોએ ફગાવી દીધું હતું અને તેઓ જે રીતે વિચારે છે તેને માનવાની જરૂર નથી. અગાઉ પ્રિયંકા ગાંધીએ પણ ગોયલના નિવેદનને લઈને સરકારને આડેહાથ લીધી હતી. પ્રિયંકા વાડ્રાએ જણાવ્યું હતું કે સરકારનું કામ ફક્ત 'કોમેડી સર્કસ' ચલાવા પુરતું સિમિત ના રહેવું જોઈએ તેમણે અર્થવ્યવસ્થામાં પણ સુધારો કરવો જોઈએ.

(12:00 am IST)