Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

આસામ ગૌહાટીના ડીસીપી સસ્પેન્ડ: ચીફ જસ્ટિસની સુરક્ષામાં ખામી રહેતા કાર્યવાહી

આસામની સરકારે પશ્ચિમ ગૌહાટીના  ડીસીપીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની સુરક્ષા ચૂકના મામલે સસ્પેન્ડ કર્યા હતા.

 તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્સિટ રંજન ગોગોઈ કામાખ્યા મંદિરના દર્શન માટે આસામ ગયા હતા. કામાખ્યા મંદિરમાં જસ્ટિસ ગોગોઈની સાથે અસુવિધાના અહેવાલ સામે આવી હતી.

 ડીસીપી ભંવરલાલ મીણાને ઓલ ઈન્ડિયા સર્વિસ 1969ના નિયમ ત્રણની પેટા જોગવાઈ-એક મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આસામના ગૃહ વિભાગના ગવર્નર દ્વારા તેમને આ જાણકારી જાહેર કરવામાં આવી હતી. આસામના ગૃહ વિભાગના સચિવ દીપક મજૂમદારે આના સંદર્ભે આદેશ જાહેર કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પોતાની ફરજ દરમિયાન મીણા આસામ પોલીસ મુખ્યાલયમાં હાજર રહેશે અને અધિકારીઓની મંજૂરી વગર તેઓ ત્યાંથી જઈ શકશે નહીં.

  સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ અને તેમની પત્ની 17 ઓક્ટોબરે ગૌહાટીની મુલાકાતે ગયા હતા. તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ગૌહાટીના જનરલ પ્રશાસનિક વિભાગને આપવામાં આવી હતી. તે વખતે કામાખ્યા મંદિરમાં ગયેલા સીજાઈ ગોગોઈની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. તેમને મંદિરમાં ઘણી અસુવિધાઓનો સામનો કરવો પડયો હતો. જેથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.  જસ્ટિસ રંજન ગોગોઈએ ત્રીજી ઓક્ટોબરે ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભારતના 46મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.

(7:18 pm IST)