Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

ડુંગળીનાં ભાવ થયાં બમણાં, કેન્દ્ર સરકાર ચોંકી : નાફેડને બફર સ્‍ટોકમાંથી પુરવઠો વધારવા સુચના અપાઇ

નવી દિલ્હીઃ ડુંગળીનાં ભાવમાં સતત વધારો ચાલુ રહેતાં કેન્દ્ર સરકાર ચોંકી ઊઠી છે. માત્ર ૧૦ જ દિવસમાં ડુંગળીનાં ભાવ બમણા થઇ ગયાં છે અને પ્રતિ કિલો કિંમત રૂ.૪૦ પર પહોંચી ગઇ છે.

ડુંગળીનાં ભાવને નિયંત્રણમાં કરવા કેન્દ્ર સરકારે સહકારી સંસ્થા નાફેડને ડુંગળીના બફર સ્ટોકથી તેનો પુરવઠો વધારવા સૂચના આપી છે. સાથે જ મધર ડેરીને તેની સફળ બ્રાન્ડ દુકાનો પર ડુંગળીનો ભાવ પ્રતિકિલો રૂ.2 ઘટાડવા જણાવ્યું છે.

ગ્રાહક બાબતોનાં સચિવ અવિનાશ કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે ડુંગળીની ખેતી કરનારા રાજ્ય તરફથી સપ્લાય ઘટાડી દેવાયો છે. તેથી ડુંગળીનો જથ્થાબંધ ભાવ પ્રતિકિલો રૂ. ૨૩ પર પહોંચી ગયો છે.

મહારાષ્ટ્રની લાસલગાંવ મંડીમાં જથ્થાબંધ ડુંગળીની કિંમતમાં છેલ્લાં કેટલાંક દિવસમાં ૫૦ ટકાનો વધારો થયો છે. આંકડા અનુસાર દિલ્હીના રિટેલ માર્કેટમાં ડુંગળીની કિંમત પ્રતિ કિલો રૂ.૩૦-૪૦ની વચ્ચે બોલાઇ રહી છે.

(12:30 pm IST)