Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

રાજસ્થાનમાં ઝીકા વાયરસનો આતંક : કેસ સંખ્યા ૧૦૯ થઈ

રાજસ્થાનના પાટનગર જયપુરમાં નવા નવ કેસઃ આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવાયા

જયપુર,તા.૨૦ : રાજસ્થાનમાં ઝીકા વાયરસના કારણે અસગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે. કેસોની સંખ્યા વધીને હવે ૧૦૯ ઉપર પહોંચી ગઈ છે. રાજ્ય મેડિકલ અને આરોગ્ય વિભાગના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે જયપુરમાંથી નવ નવા કેસો સપાટી પર આવ્યા છે. જોકે ઝીકા વાયરસના ૯૧ અસરગ્રસ્ત દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ચુક્યા છે. અધિકારીઓના કહેવા મુજબ ડિપાર્ટમેન્ટ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મચ્છરોના લારવા દ્વારા ફેલાતા રોગને કાબુમાં લેવા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જયપુરમાં મોટાભાગના કેસો શાસ્ત્રીનગર વિસ્તારમાંથી સપાટી ઉપર આવ્યા છે. અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે. જયપુરમાં ઝીકા વાયરસનો પ્રથમ પોઝીટીવ કેસ ૨૧મી સપ્ટેમ્બરના દિવસે નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને એલર્ટ થઈ ગઈ હતી. વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે પણ બુધવારના દિવસે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલની એક ટીમને રવાના કરી હતી. વેકટર કંટ્રોલ પગલાં ઝડપથી લેવામાં આવી રહ્યા છે. ફોગીંગ અને અન્ય પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે. જાણકાર તબીબોનું કહેવું છે કે ઝીકા વાયરસ વિશેષ પ્રકારના ઈજિપ્તી મચ્છરોથી ફેલાય છે. જેના કારણે તાવની અસર થાય છે. સાંધામાં દુખાવો થાય છે. સગર્ભા મહિલાઓને વધારે નુકસાન થવાની શક્યતા રહેલી છે. રાજ્યના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ન લેવા સગર્ભા મહિલાઓને સલાહ આપી છે. ભારતમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ જાન્યુઆરી ૨૦૧૭માં અમદાવાદમાં બન્યો હતો. જ્યારે તે વખતે જુલાઈ મહિનામાં તમિલનાડુના કૃષ્ણગીરી જિલ્લામાં બીજો બનાવ બન્યો હતો. મંગળવારના દિવસે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા દરરોજના આધાર ઉપર કેસો પર નજર રાખવા એનસીડીસીને કહ્યું હતું.

(12:00 am IST)