Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

સામાન્ય લોકો પૈસા આવતા જ પ્રોપર્ટી, ગેજેટ, હાઇફાઇ લાઇફ સ્ટાઇલની વસ્‍તુઓ ખરીદવામાં ખર્ચ કરવા લાગે છે પરંતુ અમીર વ્‍યક્તિઓ ક્યારેય આવુ કરતા નથીઃ રૂપિયા તેમના માટે બીજા રૂપિયા કમાવવાનું સાધન બને છે

નવી દિલ્હીઃ ક્રેડિટ સુઈસના એક તાજા અહેવાલ પ્રમાણે પાછલા એક વર્ષમાં ભારતમાં 7300 નવા કરોડપતિ બન્યા છે અને એ સાથે જ દેશમાં હવે કરોડપતિઓની સંખ્યા 3.43 લાખ થઈ ગઈ છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશમાં અમીરોની સંખ્યા સતત વધી રહી છે. જોકે આજે પણ સામાન્ય વર્ગના માણસ માટે અમીર બનવું એક દિવાસ્વપ્ન સમાન જ છે. પરંતુ અહીં એક સવાલ થાય છે કે આખેર સામાન્ય વર્ગ કેમ અમીર નથી બની શકતો. ત્યારે અનેક જુદા જુદા સર્વે રિપોર્ટ મુજબ અમીર અને સામાન્ય વર્ગના વ્યક્તિમાં સૌથી મોટો ફરક પોતાની આવકના ઉપયોગને લઈને હોય છે.

વિચારવાની આ રીતના કારણે અમીર બને છે વધુ અમીર

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક જ કારણ છે કે અમીર વધુ અમીર બની રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. ત્યારે કેટલીક એવી ટ્રિક અને આદતો છે જે મોટાભાગના અમીરોમાં જોવામાં આવી છે પછી ભલે તે દુનિયાના અલગ અલગ દેશમાં રહેતા હોય. તમે પણ આજે જાણી લો આ ટ્રિક અને તેના ઉપયોગથી શરુ કરી દો અમીર બનાવા તરફનો પ્રવાસ.

એશ-આરામ પર રુપિયા બગાડે છે સામાન્ય વર્ગ

જો તમે પણ તમારી આવક દરવર્ષે વધારવા માગતા હોવ તો અમીરો પાસેથી આ આ ખાસ એપ્રોચ શીખો. દુનિયાના જુદા જુદા વેલ્થ રિપોર્ટ મુજબ સામાન્ય લોકો પૈસા આવતા જ તેમાંથી પ્રોપર્ટી, ગેજેટ અથવા હાઈફાઇ લાઇફસ્ટાઇલની વસ્તુઓ ખરીદવામાં ખર્ચ કરવા લાગે છે. પરંતુ અમીર વ્યક્તિઓ ક્યારેય આવું કરતા નથી. રુપિયો તેમના માટે બીજા રુપિયા કમાવવાનું સાધન માત્ર બને છે. તમે પણ આ ધ્યાન રાખો કે રુપિયાનો ઉપયોગ ઉપભોગ માટે નહીં પણ તેનાથી વધુ રુપિયા કમાવવા માટે કરવો જોઈએ.

રુપિયાને યોગ્ય જગ્યાએ રોકાણ કરો

અમીરો પાસે આમ તો રુપિયાની કોઈ અછત નથી હોતી પરંતુ મોટાભાગે જોવામાં આવ્યું છે કે તેઓ પોતાના રુપિયાનો ખૂબ મોટો ભાગ રોકાણમાં વાપરે છે. આ માટે તેઓ હંમેશા એવી જ જગ્યા પસંદ કરે છે જેમાંથી તેમને વધુને વધુ રિટર્ન મળે. આ લોકો એવી કોઈ લક્ઝરી વસ્તુઓ નથી ખરીદતા જેનાથી તેમને ફાયદો ન થતો હોય.

રોકાણમાં ઉતાવળ નહીં

અમીર વ્યક્તિ હંમેશા પોતાના રુપિયાને ખૂબ સમજી વિચારી અને અભ્યાસ કરીને રોકે છે. તેમાં કોઈપણ પ્રકારની ઉતાવળ કરતા નથી. ઉતાવળથી રોકાણ તમને ક્યારેક મોટા નુકસાનમાં પણ નાખી દે છે. માટે યોગ્ય સમય અને યોગ્ય તકની રાહ જુઓ અને પછી રોકાણ કરો.

રિસ્ક લેવાથી નથી ડરતા અમીરો

અમીરો મોટાભાગે પોતાના રુપિયાને એવી જગ્યાએ લગાવે છે જ્યાં રિસ્ક વધુ હોય પણ રિટર્ન પણ વધુ હોય. આવા લોકો એવા પ્રકારના બિઝનેસ આઇડિયામાં રુપિયા રોકે છે જેનું ભવિષ્ય ઉજ્વળ હોય. જોકે આવા બિઝનેસમાં રુપિયા ડૂબવાનું રિસ્ક પણ વધુ હોય છે. પરંતુ જો બિઝનેસ ચાલી જાય તો એટલો ફાયદો થાય છે કે તમને વિચારી પણ નહીં શકો.

જુદી જુદી જગ્યાએ રાકાણ કરવું

સીધી વાત છે કે જો તમે રિસ્ક ગેમ રમો છો તો એક જગ્યાએ રુપિયા લગાવવા કરતા અલગ અલગ જગ્યાએ રોકાણ કરવું જ હીતાવહ છે. અમીરો આ મામલે એક જૂની કહેવતને બરાબર અનુસરે છે કે ‘બધા ઈંડા એક જ માળામાં નહીં રાખવાના’ આ કારણે જો એક જગ્યાએ નુકસાન જાય તો બીજી જગ્યાએ મળતો ફાયદો આ નુકસાનનું ભરપાઈ કરી દે છે. આમ પણ મોટાભાગે સમજી વિચારીને કરેલું રોકાણ ક્યારેય નુકસાન કરતું નથી.

ખાસ પ્રકારની પ્રોપર્ટીમાં રોકાણ

અમીર વ્યક્તિઓ પોતાના રુપિયાને આર્ટ અથવા કોમર્શિયલ સંપત્તિમાં લગાવે છે. જેથી ખૂબ લાંબા સમય સુધી તેમને સારુ રિટર્ન મળતું રહે. નિષ્ણાંતો મુજબ અમીરો દુનિયાના જુદા જુદા વિસ્તારમાં 2-3 ઘર ખરીદે છે અને પછી તેને વેચવા કાઢે છે આ કારણે તમને ખૂબ સારો ફાયદો થાય છે.

(12:00 am IST)