Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

હિંદુઓની વસતી ઓછી થઈ ત્યાં સમસ્યા : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવત

RSSના સરસંઘચાલકનું ઉદેપુરના કાર્યક્રમમાં સંબોધન : ભારતની સમસ્યાના સમાધાન માટે હિન્દુ સમાજ સંગઠિત થાય તે જરૂરી હોવા પર ભાર મુકતા આરએસએસના વડા

ઉદેપુર, તા.૨૧ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતનું કહેવું છે કે, જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિન્દુઓની વસતી ઓછી થઈ છે ત્યાં સમસ્યાઓ ઉભી થઈ છે. ઉદેપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્રથી વિશ્વનું કલ્યાણ થશે. કોરોનાકાળમાં સંઘના સ્વયંસેવકો જે રીતે નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરી છે તે સાચું હિન્દુત્વ છે.

ભારતની સમસ્યાઓના સમાધાન માટે હિન્દુ સમાજ સંગઠિત થાય તે જરૂરી છે. આપણે બધા ભારત માતાના સંતાનો છે અને હિન્દુ એટલે કે સનાતન સંસ્કૃતિને માનનારા લોકો છે. સનાતન સંસ્કૃતિના સંસ્કાર વિશ્વનું કલ્યાણ કરી શકે છે.

શાંતિ અને સત્ય હિન્દુઓની વિચારધારા છે. આપણે હિન્દુ નથી તેવું અભિયાન દેશ અને સમાજને નબળો પાડવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. ભાગવતે કહ્યુ હતુ કે, સંઘના સ્થાપક ડો.હેડગેરવારે અનુભવ કર્યો હતો કે, ભારતની જે વિવિધતા છે તેમાં એકતાનો ભાવ રહેલો છે. યુગોથી પુણ્ય ભૂમિ પર રહેનારા પૂર્વજોના આપણે વંશજ છે અને આપણે બધા હિન્દુ છે.

પ્રકારની ભાવના હિન્દુત્વ છે. ડો.હેડગેવારે પોતાના વ્યકતિગત સ્વાર્થને બાજુ પર મુકીને દેશ માટે કામ કરવાનો રસ્તો પસંદ કર્યો હતો. શરૂઆતમાં તેમણે અનુભવ્યુ હતુ કે, સ્વતંત્રતા મળ્યા બાદ આપણે ફરી પરાધીનના થઈએ તેના પર વિચાર કરવો પડશે. સંઘની સ્થાપનાના મૂળમાં પણ વિચાર છે. તેમણે કહ્યુ હતુ કે, સંઘ વિશ્વ બંધુત્વની ભાવના સાથે કામ કરે છે.

સંઘ માટે આખુ વિશ્વ પોતાનુ છે. સંઘને નામ કમાવવાની લાલસા નથી. ક્રેડિટ અને લોકપ્રિયતાની જરૂર નથી. ૮૦ના દાયકા સુધી હિન્દુ શબ્દથી પણ બધાને છોછ રહેતો હતો. આવી સ્થિતિમાં પણ સંઘે કામ કર્યુ છે. આજે આરએસએસ વિશ્વના સૌથી મોટા સંગઠનોમાં સ્થાન પામે છે.

(7:34 pm IST)