Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ઢીલું માસ્ક પહેરનાર આસાનીથી સંક્રમિત થઈ શકે

હવા દ્વારા વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી વ્યવસ્થિત ફિટિંગવાળું માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે એવું અમેરિકન યુનિવર્સિટીનો અભ્યાસ કહે છે

ન્યુયોર્ક, તા.૨૧: કોરોના વાઇરસનો વેરિઅન્ટ હવા દ્વારા વધુને વધુ ફેલાઈ રહ્યો છે તેથી લોકોએ ટાઇટ-ફિટિંગવાળું માસ્ક પહેરવું જોઈએ, ઘરમાં સારા હવા-ઉજાસ રહે એનું ધ્યાન રાખવા ઉપરાંત વેકિસન પણ લેવી જોઈએ જેથી આ કોરોના વાઇરસના ફેલાવાને અટકાવી શકાય એવું અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના રિસર્ચની તપાસમાં બહાર આવ્યું છે. જે લોકો SARS-Cov-2 કોવિડ વેરિઅન્ટથી સંક્રમિત છે તેઓ પોતાના ઉચ્છવાસ દ્વારા આ વાઇરસ બહાર કાઢે છે.

કિલનિકલ ઇન્ફેકશન ડિસિઝ જર્નલમાં પ્રસિદ્ઘ થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે જે લોકો ઢીલું માસ્ક પહેરે છે તેઓ હવા દ્વારા ફેલાતા આ વાઇરસના સંક્રમણથી બચવાની ક્ષમતા ૫૦ ટકા જેટલી દ્યટાડી દે છે. મેરીલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડોન મિલ્ટને કહ્યું હતું કે આલ્ફા વેરિઅન્ટ કરતાં ડેલ્ટા વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી આનાથી બચવા માટે વેકિસન ઉપરાંત સારું ફિટિંગવાળું માસ્ક અને હવા-ઉજાસ પણ એટલા જ જરૂરી છે. જે વ્યકિત કોરોના સંક્રમિતની નજીક હશે એવા લોકોને તો ખતરો હોય છે પરંતુ માત્ર ઉચ્છવાસ દ્વારા જ આ વાઇરસનો વધુને વધુ ફેલાવો થઈ રહ્યો છે જે વધારે ચિંતાનો વિષય છે.

અભ્યાસ મુજબ જે લોકો માસ્ક પહેરે છે તેઓ હવામાં તરતા વાઇરસના આ સંક્રમણથી પોતાને બચાવી લે છે, પરંતુ જો માસ્ક ઢીલું હોય તો તેમની સંક્રમિત થવાની શકયતા વધી જાય છે. આમ કોરોનાથી બચવા માટે વ્યવસ્થિત માસ્ક પહેરવું પણ અત્યંત જરૂરી છે, એવું નિષ્ણાતોએ કહ્યું છે.

(3:48 pm IST)