Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પંજાબમાં બદલેલ સમીકરણોથી ભાજપને ફાયદોઃ કોંગ્રેસથી નારાજ નેતા પક્ષ પલ્ટો કરશે?

અમૃતસર,તા. ૨૧: પંજાબમાં સૌથી કમજોર ખેલાડી આંકવામાં આવતા ભાજપે મુકાબલામાં આવવા માટે કોંગ્રેસમાં જ સેંધ લગાવવા ઉપર નજર માંડી છે. કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ દીધુ અને કોંગ્રેસ હાઇકમાંડ સામે ખુલી રીતે નારાજગી વ્યકત કરેલ. જો કે ભાજપ કે અન્ય કોઇ પક્ષમાં જવાને લઇને પાના ખોલ્યા નથી. સુત્રો મુજબ ભાજપ હાલ કોંગ્રેસના એ નેતાઓના સંપર્કમાં છે. જે હાલ બદલવાથી નાખુશ છે.

અકાલી દલના એનડીએથી અલગ થયા બાદ અત્યાર સુધીની સ્થિતી મુજબ ભાજપ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે. એટલે પાર્ટી કેટલાક મજબુત નેતાની ખોજમાં છે અને સંભવત તેમાંથી જ મુખ્યમંત્રી પદના દાવેદાર પણ હોઇ શકે. ભાજપ પાસે પંજાબમાં કોઇ મોટો ચહેરો નથી તે સૌથી મોટી પરેશાની છે. અમરિંદરસિંહનો ભાજપમાં સમાવેશ થાય તો પાર્ટીને મોટો ફાયદો મળી શકે તેમ જાણકારો કહે છે.

જો કે કેપ્ટન અને ભાજપ વચ્ચે મોટી તકલીફ ત્રણ કૃષિ કાયદા છે. જો ભાજપ એમએસપીને લઇને એક પગલુ પાછળ હટે તો કેપ્ટન સાથે વાત બની શકે છે. ઉપરાંત ભાજપ પંજાબના હાલના ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યુ છે. નવા મુખ્યમંત્રી ઉપર દબાણ બનાવવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે.

(3:47 pm IST)