Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ખાંડના ભાવ ૨ મહિનાની અંદર ૧૩ ટકા વધ્યા

ચાર વર્ષમાં કિંમત સર્વોચ્ચ સપાટીએઙ્ગ

નવી દિલ્હી તા. ૨૧ : સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં થયેલા વધારાને કારણે મિલોએ અત્યારે નિકાસ માટે નવા કરાર પર રોક લગાવી છે. સ્થાનિક બજારમાં ખાંડના ભાવ બે મહિનાની અંદર ૧૩ ટકા વધ્યા છે અને ચાર વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. તેના કારણે મિલોને ભારતમાં જ વૈશ્વિક બજાર જેટલો જ ભાવ મળવા લાગ્યો છે.

નેશનલ એસોસિયેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકટરીઝના મેનેજિંગ ડિરેકટર પ્રકાશ નાયકનવરેએ જણાવ્યું હતું કે મિલોને સ્થાનિક બજારમાં જ ખાંડના સારા ભાવો મળી રહ્યા છે, જેના કારણે હાલમાં નિકાસ માટેના નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા નથી. વૈશ્વિક બજારમાં કિંમતો વધુ વધશે ત્યારે જ નવા કરાર પર વિચાર કરવામાં આવશે.

૧ ઓકટોબરથી શરૂ થતા ખાંડ માર્કેટિંગ વર્ષ ૨૦૨૧-૨૨ માટે, અત્યાર સુધી નિકાસ માટે માત્ર ૧.૨ મિલિયન ટન ખાંડનો કરાર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાંથી વૈશ્વિક બજારમાં ઓછી ખાંડ મોકલવામાં આવતા ભાવ વધુ વધવાની અપેક્ષા છે, કારણ કે સૌથી મોટો ઉત્પાદક બ્રાઝિલ આ વર્ષે ઓછી ખાંડની નિકાસ કરશે. જો વૈશ્વિક બજારનું મૂલ્ય વધે તો નવા નિકાસ કરારો પર વિચાર કરવામાં આવશે.

નાયકનવેરના જણાવ્યા મુજબ સ્થાનિક બજારમાં ખાંડની કિંમત ૩૬,૯૦૦ રૂપિયા પ્રતિ ટન છે. આ નવેમ્બર ૨૦૧૭ પછી ખાંડનો સૌથી વધુ ભાવ છે. તે જ સમયે, નિકાસકારો મિલોને ૩૧,૫૦૦ રૂપિયા પ્રતિ ટન કાચી ખાંડ અને ૩૨,૦૦૦ રૂપિયા પ્રતિ ટન સફેદ ખાંડ ઓફર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મિલોને નિકાસકારો કરતા પ્રતિ ટન આશરે પાંચ હજાર રૂપિયા વધુ મળી રહ્યા છે. આ જ કારણ છે કે વર્તમાન ખાંડ માર્કેટિંગ વર્ષમાં રેકોર્ડ ૭.૫ મિલિયન ટનની નિકાસ કરતી મિલોએ ઓગસ્ટથી કોઈ કરાર કર્યો નથી.

વૈશ્વિક બજાર સાથે સંકળાયેલા ખાંડના વેપારીઓનું કહેવું છે કે નવા સત્રમાં સ્થાનિક બજારમાં ખાંડના ભાવ નીચે આવશે. યુપી સરકાર દ્વારા શેરડીના ભાવ નક્કી કરવાની મિલો હજુ રાહ જોઈ રહી છે. એક અંદાજ મુજબ નિકાસમાં હાલના ઘટાડાને કારણે વૈશ્વિક બજારમાં ભાવ વધશે, જેના કારણે આગામી સત્રમાં ૫૦ લાખ ટનથી વધુ ખાંડની નિકાસ થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર સબસિડી તરીકે આપવાની રકમમાંથી ૧,૮૦૦ કરોડ ચૂકવ્યા છે.

(1:20 pm IST)