Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

આજે અમેરિકા જશે પીએમ : ૨૪મીએ બાઇડનને મળશે

અમેરિકામાં વડાપ્રધાનનો ભરચક્ક કાર્યક્રમ : અમેરિકી ઉદ્યોગપતિઓ ઉપરાંત કમલા હેરિસ - ઓસ્ટ્રેલિયા - જાપાન - બ્રિટનના વડાપ્રધાનોને પણ મળશે : ૨૫મીએ યુનોની મહાસભાને સંબોધન કરશે : અમેરિકીયાત્રા દરમિયાન ત્રાસવાદ - અફઘાનિસ્તાન મુદ્દા કેન્દ્ર સ્થાને રહેશે

નવી દિલ્હી તા. ૨૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકા માટે રવાના થઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ યુનોની મહાસભાના ૭૬માં સત્રમાં ભાગ લેવાની સાથોસાથ અન્ય દેશના નેતાઓને પણ મળશે. પીએમ મોદી ઉપરાંત આ મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે ૧૦૦ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ અમેરિકા આવી રહ્યા છે.
પીએમ મોદી ૨૨મીએ વોશિંગ્ટન ડીસી પહોંચશે અને પછી તેઓ અમેરિકાના ટોચના સીઇઓને મળશે. એપ્પલના વડા ટીમ કુકને પણ તેઓ મળે તેવી શકયતા છે. અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કર્યા પછી મોદી ૨૩મીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશે. આ ઉપરાંત પીએમ એ જ દિવસે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને જાપાનના વડાપ્રધાનને પણ મળશે.
પીએમ મોદી ૨૪મીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે પ્રથમ પ્રત્યક્ષ દ્વીપક્ષીય બેઠક યોજશે અને વોશિંગ્ટનમાં પ્રથમ ઇન-પર્સન કવાડ લીડર્સ સમીટમાં ભાગ લેશે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન ડીનરનું પણ આયોજન થયું છે. પીએમ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને પણ મળે તેવી શકયતા છે.
વડાપ્રધાન ૨૪મીએ સાંજે ન્યૂયોર્ક માટે રવાના થશે. બીજા દિવસે તેઓ યુનોની મહાસભાને સંબોધન કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી - બાયડન ત્રાસવાદ અને અફઘાનીસ્તાન અંગે ચર્ચા કરે તેવી શકયતા છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ દૃઢ બનશે એ નક્કી છે.
અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાઇડન ૨૪ સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. સોમવારે જાહેર થયેલ રાષ્ટ્રપતિના સાપ્તાહિક કાર્યક્રમમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે ૨૩ સપ્ટેબરના રોજ ગુરૂવારે અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેર્રિસ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે.  
બંને નેતાઓની વચ્ચે શુક્રવારે થનાર પહેલી બેઠકના સંબંધમાં કહેવામાં આવ્યું છે, 'રાષ્ટ્રપતિ ભારતીય ગણરાજયના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.' ડેમોક્રેટિક પાર્ટી નેતા જો બાઇડનના જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને નેતાઓ વચ્ચે ઘણીવાર ડિજિટલ માધ્યમોથી વાતચીત થઇ છે.
ગત વખતે પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બર ૨૦૧૯ માં અમેરિકા યાત્રા પર આવ્યા હતા. આ દરમિયાન તેમણે અને તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યૂસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમને સંબોધિત કર્યા હતા. વ્હાઉટ હાઉસને શુક્રવારે રાષ્ટ્રપતિના કાર્યક્રમ વિશે કહ્યું કે બાઇડન જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા સાથે મુલાકાત કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિ સાપ્તાહિક કાર્યક્રમ અનુસાર ૨૪ સપ્ટેમ્બર શુક્રવારે જ બાઇડન પ્રધાનમંત્રી મોદી, સુગા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે વ્હાઇટ હાઉસમાં પહેલીવાર વ્યકિતગત રૂપથી કવાડ નેતાઓના શિખર સંમેલનની મેજબાની કરશે.
ગત અઠવાડિયે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચારેય નેતા આ વર્ષે ૧૨ માર્ચના રોજ પોતાના પહેલા ડિજિટલ શિખર સંમેલન બાદ થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને ભાગીદાર હિતો સાથે જોડાયેલા ક્ષેત્રીઓ મુદ્દાઓ પર ચર્ચા કરશે. મોદીની અમેરિકા યાત્રા લગભગ છ મહિનામાં તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે જયારે કોવિડ-૧૯ મહામારીના પ્રકોપ બાદ તે બીજી વાર કોઇ દેશની પ્રથમ યાત્રા પર આવશે. આ પહેલાં માર્ચમાં મોદીએ બાંગ્લાદેશની યાત્રા કરી હતી.

 

(11:13 am IST)