Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 3.8 લાખ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કર્યુ: રાજ્યસભામાં અપાઈ માહિતી

"શેલ કંપની" શબ્દ કંપનીઝ એક્ટ હેઠળ વ્યાખ્યાયિત નથી.

નવી દિલ્હી : છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કંપનીઝ એક્ટ હેઠળ 3.8 લાખથી વધુ કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરાઈ છે,એવું સરકારે જણાવ્યુ છે. જો બીજા શબ્દોમાં કહીયે તો આવી કંપનીઓની નોંધણી કરવામાં આવી છે. રાજ્યસભામાં લેખિત જવાબમાં કોર્પોરેટ બાબતોના રાજ્ય પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે પણ કહ્યું હતું કે "શેલ કંપની" શબ્દ કંપનીઝ એક્ટ હેઠળ વ્યાખ્યાયિત નથી.

"તે સામાન્ય રીતે સક્રિય વ્યવસાયિક કામગીરી અથવા નોંધપાત્ર સંપત્તિ વિનાની કંપનીનો સંદર્ભ આપે છે, જેનો કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર હેતુ જેમ કે કરચોરી, મની લોન્ડરિંગ, અસ્પષ્ટ માલિકી, બેનામી સંપત્તિઓ વગેરે માટે ઉપયોગ કરવામાં આવે છે."

શેલ કંપનીઓ બાબતો પર નજર રાખવા સરકાર દ્વારા રચાયેલી વિશેષ ટાસ્ક ફોર્સે શેલ કંપનીઓની ઓળખ માટે એલર્ટ તરીકે અમુક રેડ ફ્લેગ સૂચકાંકોનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે.

મંત્રીના જણાવ્યા મુજબ સરકારે શેલ કંપનીઓને ઓળખી કાઢવા અને ત્યારબાદ નોંધણી રદ કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.

ઠાકુરે જણાવ્યું હતું કે, સતત બે વર્ષ કે તેથી વધુ વર્ષો સુધી સતત ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સબમિટ ન કર્યા હોય તેના આધારે, કંપનીઓની ઓળખ કરવામાં આવી હતી અને કાયદાકીય પગલાં અનુસાર, "છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન "3,82,581 કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યુ હતુ."

આ કાર્યવાહી આ કંપનીઝ એક્ટ, 2013ની કલમ 248 હેઠળ પૂરા પાડવામાં આવેલ સત્તા મુજબ કરવામાં આવી હતી

(7:27 pm IST)