Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે દેશની સૌથી ખુબસુરત ફિલ્‍મ સીટી ઉત્તરપ્રદેશમાં બનાવવાની કરી જાહેરાતઃ 1 હજાર એકર જમીન ફાળવાઇ

લખનઉ: હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશની સૌથી ખુબસુરત ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવવાની વાત કરી હતી. આ પ્રોજેક્ટ પર હવે કામ પણ શરૂ થઈ ગયુ છે. યોગી સરકારે આ ફિલ્મ સિટી માટે 1000 એકર જમીન ફાળવી આપી છે. યમુના એક્સપ્રેસ વેના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણવીર સિંહે  Additional Chief Secretary, (Department of Infrastructure and Industry)ને પત્ર લખીને ફિલ્મ સિટીને ફાળવી આપેલી જમીન વિશે જાણકારી આપી.

યમુના એક્સપ્રેસ વે પર બનશે ફિલ્મ સિટી

આ પત્રમાં ફિલ્મ સિટી માટે યમુના એક્સપ્રેસ વે Industrial Development Authority ક્ષેત્રના સેક્ટર-21માં ઔદ્યોગિક પ્લોટ્સ માટે 780 અને વ્યવસાયિક વ્યવસાયિક પ્લોટ્સ માટે 220 એકર એમ કરીને કુલ 1000 એકર જમીન ઉપલબ્ધ છે.

મધુર ભંડારકરે કરી હતી સીએમ યોગી સાથે મુલાકાત

ફિલ્મ મેકર મધુર ભંડારકારે રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં દેશની સૌથી મોટી અને સૌથી ખુબસુરત ફિલ્મ સિટી બનાવવાને લઈને મુખ્યમંત્રીની જાહેરાત પર ચર્ચા કરી. મુખ્યમંત્રીએ ફિલ્મ નિર્માતાને ભેટ તરીકે એક સિક્કો આપ્યો. જેમાં ભગવાન રામની તસવીર કોતરાયેલી હતી. આ સાથે જ રામચરિત માનસની એક કોપ, તુલસીના બીજની માળા તથા એક ભવ્ય કુંભ કોફી ટેબલ પણ આપ્યા. જે ગત વર્ષ પ્રયાગરાજમાં આયોજિત થયો હતો. સરકાર તરફથી એક પ્રવક્તાના જણાવ્યા મુજબ ભંડારકરે મુખ્યમંત્રીને ફિલ્મ સિટીની યોજના માટે અભિનંદન પાઠવ્યા અને ફિલ્મ બિરાદરી તરફથી પૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું.

ક્યારે થઈ જાહેરાત

અત્રે જણાવવાનું કે શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રદેશના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરતા સીએમ યોગીએ યુપીમાં દેશની સૌથી મોટી અને ખુબસુરત ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નોઈડા, ગ્રેટર નોઈડા કે યમુના એક્સપ્રેસ વે Industrial Development Authority ફિલ્મ સિટી બનાવવા માટે આદર્શ જગ્યા છે. અહીં દેશની સૌથી મોટી ફિલ્મ સિટી બનાવવાની સુવિધાઓ હાજર છે. તેમની જાહેરાત બાદ શનિવારે આખો દિવસ નોઈડા ટ્વિટર હેન્ડલ પર ટ્રેન્ડ થયું હતું અને નેતાઓ તથા અભિનેતાઓથી લઈને સામાન્ય લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા રહ્યાં.

અગાઉ પણ ઉઠી હતી માગ

આ અગાઉ પણ ફિલ્મકાર મનોજ મુંતશિરે હિન્દી બેલ્ટમાં ફિલ્મ સિટી બનાવવા માટે જોરદાર માગણી કરી હતી. મનોજે કહ્યું કે તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચેન્નાઈમા, મલયાલી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેરળમાં, બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોલકાતામા છે. તો પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી નોન હિન્દી ભાષી રાજ્ય મહારાષ્ટ્રમાં કેમ છે. મનોજ મુંતશિરે હિન્દી ભાષી રાજ્યોમાં ફિલ્મ સિટી ન હોવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સરકારોને આ અંગે ધ્યાન આપવા જણાવ્યું હતું. ત્યારબાદ કલાકાર માલિની અવસ્થીએ પણ આ મુદ્દો આગળ વધાર્યો હતો અને સીએમ યોગી પાસે આ અંગે પગલું ઉઠાવવાની માગણી કરી હતી.

(4:37 pm IST)