Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

સંસદ : ૮ સાંસદોના નિલંબન અંગે ધરણા પર વિપક્ષ

રાજ્‍યસભા કાલ સુધી સ્‍થગિત : ગાંધી પ્રતિમા પાસે દેખાવો

નવી દિલ્‍હી તા. ૨૧ : રાજ્‍યસભામાં ગઇકાલે મચેલો હોબાળો આજે પણ જોવા મળ્‍યો. સંસદીય કાર્ય રાજ્‍ય મંત્રી વી. મુરલીધરન વિપક્ષે ૮ સભ્‍યોને બાકી સત્ર માટે નિલંબિત કરવાનો પ્રસ્‍તાવ રજુ કર્યો. આ પ્રસ્‍તાવ પસાર થઇ ગયો ત્‍યારબાદ પણ આ સાંસદ ગૃહમાંથી બહાર ગયા નહિ અને હોબાળો થતો જોવા મળ્‍યો ત્‍યારબાદ સસ્‍પેન્‍ડ કરેલા સાંસદોએ પોતાના પક્ષના અન્‍ય સભ્‍યોની સાથે ગાંધી પ્રતિમા પર ધરણા કર્યા. બીજી બાજુ બીજેપીએ વિપક્ષી સાંસદોના વ્‍યવહારને ગુંડાગર્દી ગણાવી.  રાજયસભામાં હોબાળાને લઇ જે ૮ સાંસદોને સસ્‍પેન્‍ડ કરાયા છે તેમાં તૃણમૂલ કોંગ્રેસના બે સાંસદ છે. પાર્ટીના અધ્‍યક્ષ અને પમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ આ પગલાંને ‘તાનાશાહી વલણ' ગણાવ્‍યું. તેમણે કહ્યું કે ‘અમે તો ઝૂકયા નથી અને ઝૂકીશું પણ નહીં'. તેના પર ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે કહ્યું કે મમતા બેનર્જી તો કિમ જોંગની ભૂમિકામાં રાજ કરી રહ્યા છે. તેમના મોઢે આ શોભતું નથી.

ગિરિરાજે કહ્યું કે વિપક્ષી સાંસદોનો વ્‍યવહાર અર્બન નક્‍સલીઓ જેવો છે. તેમણે કહ્યું કે સંસદમાં અર્બન નક્‍સલિઝમનો નવું ચરિત્ર જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે લોકતંત્રમાં તેનું સ્‍થાન નથી. તમારે વિરોધ કરવો છે તો જયાં તમારો અધિકાર છે, વિરોધ કરો. જો સભાપતિ મહોદયે નીકળવા માટે કહ્યું તો તમારે નીકળી જવું જોઇએ. તેમણે કહ્યું કે જયારે ભાજપ વિપક્ષમાં હતું તો કયારેય આવો વ્‍યવહાર કર્યો નથી. બહુ વધુ હોય તો પાર્ટીના સાંસદ વેલમાં જતા રહેતા હતા.

(3:45 pm IST)