Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોવિડની અવળી અસર, સરકારી વિભાગોમાં ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી ખરીદી પર પ્રતિબંધ

બજેટમાં જોગવાઇ છે તેવા એક કરોડથી વધુના કામો માટે ૩૩.૩૩ થી ૫૦ ટકા રૂપિયા નહીં મળે ... : કેન્દ્રએ રૂપિયા આપ્યાં નહીં, ૧૦૭૦૦ કરોડની બજાર લોન લઇને સરકારે ૫૫૦૦ કરોડનું દેવું ચૂકવ્યું ... : ગુજરાતને બીજું બોલિવુડ બનાવવાના સપનાં તૂટ્યાં, ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રી મેદાન મારી ગયા ...

કોરોના સંક્રમણના કારણે પ્રાઇવેટ કચેરીઓ અને ઉદ્યોગ-ધંધાને અવળી અસર પડી છે તેની સાથે સાથે સરકારી કચેરીઓને પણ ગંભીર અસર થઇ છે. પ્રાઇવેટ જોબ કરતા કર્મચારીઓના પગારમાં ૫૦ ટકા સુધીનો કાપ મૂકવામાં આવેલો છે અથવા તો કોસ્ટ કટીંગમાં કર્મચારીએ જોબ ગુમાવી છે. આર્થિક મંદીમાં જેટલી જોબ ગઇ નથી તેનાથી પાંચ ગણી જોબ કોરોના સંક્રમણમાં ગઇ છે. રાજયનો નાણાં વિભાગ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હાથમાં છે. તેમનો સ્વભાવ એવો છે કે ખોટો રૂપિયો કયાંય વપરાવો જોઇએ નહીં, (પછી તે પરિવારના સભ્ય હોય કે સરકારી કચેરીનો મામલો હોય...) તેમના આદેશથી નાણાં વિભાગે નવી ખરીદી આવતા વર્ષ સુધી બંધ કરી દીધી હોવાથી કચેરીઓ સંકટ અને અસુવિધાનો સામનો કરી રહી છે. નાણાં વિભાગે મોટાભાગની ખરીદી ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી સ્થગિત કરી દીધી છે. વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનની કચેરીના વડાને આપવામાં આવેલી સૂચના પ્રમાણે નવા વાહનોની ખરીદી કરી શકાશે નહીં. ઇલેકટ્રોનિકસ સાધનો જેવાં કે કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોકસ, એસી, મોબાઇલ ફોન, લેપટોપ, કુલર અને આઇટી સંલગ્ન મશીનરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ ઉપરાંત કોઇપણ ઓફિસમાં નવું ફર્નિચર વસાવી શકાશે નહીં. જો ખરીદી માટેના ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યા હોય તો તેને ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી સ્થગિત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિભાગે એવું પણ કહ્યું છે કે સરકારી કચેરીઓમાં વીજળીનો વપરાશ કરકસરયુકત થવો જોઇએ. તમામ કચેરીએ માસિક વીજબીલમાં ઘટાડો થાય તેવા પ્રયાસ કરવાના રહેશે.

 સરકારના વહીવટ માટે ૧૦૭૦૦ કરોડની બજાર લોન...

ભારત સરકાર દ્વારા કોરોના સંક્રમણના કારણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)નું વળતર નહીં મળતાં ગુજરાત સરકારે છ મહિનામાં ૧૬૭૦૦ કરોડ રૂપિયા માર્કેટમાંથી ઉછીના લીધા છે. કેન્દ્ર સરકારે હજી સુધી રાજયોને પુરતું વળતર ચૂકવી આપ્યું નથી પરિણામે સરકારની આર્થિક સ્થિતિ નાજૂક બનતાં આ નિર્ણય લેવો પડ્યો છે. નાણા વિભાગના સૂત્રો કહે છે કે કેન્દ્ર તરફથી જુલાઇના અંતમાં ૭૦૦૦ કરોડ મળવા જોઇતા હતા તે મળ્યાં નથી. આ રકમ સપ્ટેમ્બરના અંતે વધીને ૧૦૫૦૦ કરોડ રૂપિયા થવાની છે. ગયા માર્ચ મહિનામાં લોકડાઉન જાહે થયા પછી સરકારની આવકમાં ઓગષ્ટ સુધી ખાસ ફરક પડ્યો નથી. રાજય સરકારને દર મહિને વેરાની આવકમાં ૨૫ ટકાનું નુકશાન જઇ રહ્યું છે તેથી બજારમાંથી ઉધાર રૂપિયા લેવાનો વારો આવ્યો છે. રાજયના નાણાં વિભાગે ૧૬૭૦૦ રૂપિયા જે ઉધાર લીધા છે તેમાં ૫૫૦૦ કરોડ તો જૂના દેવાની ચૂકવણીમાં વપરાઇ રહ્યાં છે. આવી જ સ્થિતિ રહી તો સરકારને હજી વધારે રૂપિયા ઉધાર લેવા પડે તેમ છે. રાજય સરકાર ચાર-પાંચ વર્ષની ટૂંકી મુદ્દતની લોન અને ૧૪ વર્ષની લાંબા ગાળાની લોન લઇ રહી છે જે ૬.૨૫ થી ૬.૭૫ ટકાના દરે મળે છે. ગુજરાત સરકારને એવી આશા હતી કે જીએસટી નુકશાનથી વળતર તરીકે દર બે મહિને ૩૫૦૦ કરોડ મળશે પરંતુ કોરોના સંક્રમણના કારણે કેન્દ્ર તરફથી આ વળતરની રકમ મળી શકતી નથી. હવે કેન્દ્રએ બે વિકલ્પ—આરબીઆઇ અને બજાર લોન આપેલા હતા જે પૈકી ગુજરાતે આરબીઆઇનો વિકલ્પ પસંદ કર્યો છે. આશ્ચર્યની બાબત એવી છે કે લોકડાઉન તબક્કાવાર હટાવ્યા પછી ઉદ્યોગોએ કામગીરી શરૂ કરી હોવા છતાં મહેસૂલી આવકમાં ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. રાજયના પોતાના વેરામાં પણ મોટો ઘાટો જોવા મળી રહ્યો છે. નાણા વિભાગ પર સૌથી મોટું ભારણ કર્મચારીઓના પગાર અને પેન્શનપેટે દર મહિને ચૂકવવાના થતાં ૪૫૦૦ કરોડ રૂપિયા છે.

 વે-સાઇડ રેસ્ટોરન્ટ બનાવો, પોલિસીના લાભ મળશે...

ગુજરાતમાં વે-સાઇડ એમિનિટીઝ માટે રાજયના પ્રવાસન વિભાગે ટુરિઝમ પોલિસી હેઠળ લાભ આપવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં નેશનલ હાઇવેઝ, સ્ટેટ હાઇવેઝ અને ડિસ્ટ્રીકટ રોજનો સમાવેશ કર્યો છે. રાજયમાં જે કોઇ ઉદ્યોગજૂથ પાસે હાઇવે-ટચ જમીન હોય તેઓ આ પોલિસીનો લાભ મેળવી શકે છે. નેશનલ હાઇવે પર રેસ્ટોરન્ટ ખોલવી હોય તો ઓછામાં ઓછી ૧૦,૦૦૦ ચોરસમીટર જમીન હોવી જોઇએ જે પૈકી ૫૦૦ ચોરસમીટર જમીનમાં કાર અને ૧૦૦૦ ચોરસમીટર જમીનમાં બસ પાર્કિંગની સુવિધા આપવાની રહેશે. આ જમીન ટોલપ્લાઝાથી પાંચ કિલોમીટર દૂર હોવી જોઇએ. એવી જ રીતે સ્ટેટ હાઇવેમાં ઓછામાં ઓછી ૭૫૦૦ ચોરસમીટર જમીન અને ડિસ્ટ્રીકટ રોડમાં ૫૦૦૦ ચોરસમીટર જમીન ઉપલબ્ધ હોવી જોઇએ. આ બન્ને માર્ગો પર પણ પાર્કિંગની સુવિધા આપવાની રહેશે. વે-સાઇડ એમિનિટીઝમાં ફુડકોર્ટ કે રેસ્ટોરન્ટ અથવા તો રીટેઇલ આર્કેડ બનાવી શકાશે. આ પ્રોજેકટમાં કાર અને બસ પાર્કિંગ, પાણી અને સેનિટેશનની સુવિધા, બેબીકેર રૂમ, ફર્સ્ટએઇડ બોકસ અને ઇન્ટરનેટની સુવિધા આપવી ફરજીયાત છે. રોડ-સાઇડ એમિનિટીઝનો પ્રોજેકટ બનાવવા માગતા ઉદ્યોગજૂથને ટુરિઝમ વિભાગ નિયત શરતોને આધિન પોલિસીના તમામ લાભ આપશે તેવું ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે.

 આ વર્ષે બજેટની બધી યોજનાઓ પૂર્ણ નહીં થાય...

ગુજરાતની બજેટેડ યોજનાના કામોમાં કરકસર જાળવવા રાજયના નાણાં વિભાગે આદેશ કર્યો છે. તમામ વિભાગોને એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે નવી યોજનાઓ અથવા નવા કામો હાથ પર લેતાં પહેલાં કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. એક કરોડ સુધીના અંદાજીત કામો વર્ષની અંદર પુરાં કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. એક કરોડ થી પાંચ કરોડના કામોમાં માત્ર ૫૦ ટકા રકમ અને પાંચ કરોડ થી વધુ ખર્ચના કામોમાં ૩૩.૩૩ ટકા રકમ ફાળવવાની સૂચના વિભાગોને આપવામાં આવી છે. નાણા વિભાગે એવું પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં લોનના હિસ્સાની રકમ આ વર્ષે મળવાની નથી તેથી આવતા વર્ષમાં તે જોગવાઇ સૂચવવામાં આવે તે ઇચ્છનિય છે. નાણા વિભાગે આ સાથે આગામી વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષના અંદાજો તેમજ વર્તમાન નાણાંકીય વર્ષના સુધારેલા અંદાજો તૈયાર કરવાની સચિવાલયના વિભાગોને સૂચના આપી છે જેમાં આ પ્રમાણેની કરકસર કરવામાં આવી રહી છે. આ અંદાજો વિભાગોએ ૧૫મી ઓકટોબર થી ૧૬મી ડિસેમ્બર દરમ્યાન ચાર તબક્કામાં નાણાં વિભાગને મોકલવાના રહેશે જેમાં સ્થાયી ખર્ચના અંદાજ, ૧૦૦ ટકા કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ, કેન્દ્રીય પુરસ્કૃત શેરીંગ પેટર્નની યોજનાઓ, રાજયની ચાલુ યોજનાઓ, સુધારેલા અંદાજ અને નવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 મુંબઇનું બોલિવુડ હવે ગુજરાત નહીં આવે, યુપી જશે...

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે 'મુંબઇનું બોલિવુડ હવે ગુજરાતમાં શિફ્ટ થશે, કારણ કે ગુજરાત ૧૦થી વધુ એન્ટરટેઇનમેન્ટ ઝોન, ૧૦ ફિલ્મસિટી અને ૮ ફિલ્મ સ્ટુડિયો બનાવી રહ્યું છે.'– કાશ, નરેન્દ્રભાઇ મોદીના આ શબ્દો સાચા પડ્યાં હોત, પરંતુ સ્થિતિ એવી સર્જાઇ છે કે મુંબઇનું બોલિવુડ હવે ઉત્ત્।રપ્રદેશ શિફ્ટ થઇ રહ્યું છે. ગુજરાત સરકારે મંજૂરીઓ આપવામાં વિલંબ કરતાં ફિલ્મ નિર્માતાઓએ બીજા રાજયની પસંદગી કરી લીધી છે. ઉત્ત્।રપ્રદેશના ગૌતમબુદ્ઘ નકર જિલ્લાના નોઇડામાં શાનદાર ફિલ્મ સિટી બની બનાવવામાં આવશે. લખનૌમાં ઉચ્ચ અધિકારીઓની એક બેઠકમાં રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે નોઇડા, ગ્રેટર નોઇડા અને યમુના એકસપ્રેસ વે ના વિસ્તારમાં વિશાળકાય ફિલ્મ સિટી બનાવવામાં આવશે. ગુજરાતે માત્ર જાહેરાત કરી હતી કે દક્ષિણ ગુજરાત સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં ફિલ્મસિટી બનાવવામાં આવશે. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ૨૪ જેટલી ફિલ્મ હસ્તીઓ તેમજ ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મ સિટી અને સ્ટુડિયોના વચનો આપ્યાં હતા પરંતુ તેમાં વર્તમાન સરકારના ઉદ્યોગ અને પ્રવાસન વિભાગે મોનિટરીંગ નહીં કરતાં આ પ્રોજેકટ હવે બીજા રાજયમાં સરકી રહ્યો છે. પ્રવાસન વિભાગે મહાત્મા મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત રાજયના ૧૦૫ જેટલા એવાં લોકેશન પણ શોધી કાઢ્યાં છે કે જયાં ફિલ્મોના શૂટીંગ થઇ શકે તેમ છે પરંતુ વિભાગના ઉચ્ચ ઓફિસરો બોલિવુડના નિર્માતા અને ફાયનાન્સરોનો સંપર્ક કરવાનો ચૂકી ગયા લાગે છે.

સરકારી મહેમાન

-: આલેખન :-

ગૌતમ પુરોહીત

gpurohit09@gmail.com

(11:36 am IST)
  • ભારત સાથે એલએસીના વધી રહેલા ઘર્ષણ વચ્ચે, ચીની સૈન્ય PLA દ્વારા એક અહેવાલ મુજબ 3 નવા મોરચા ભારત વિરુધ્ધ ખોલવામાં આવ્યા છે. દક્ષિણ ચીન સમુદ્રમાં કવાયત હાથ ધરવાની સાથે ચીની સૈન્યની પશ્ચિમી થિયેટર કમાન્ડ દ્વારા તાજેતરમાં ઝિંજિયાંગ અને તિબેટમાં પણ સૈન્યબળ વધારવામાં આવી રહયાનું જાણવા મળે છે. access_time 7:28 pm IST

  • પંજાબમાં અમરિન્દર સરકારે પીએચડી અને ટેકનીકલ તથા વ્યવસાયીક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો ૨૧ સપ્ટેમ્બર (આજથી) ખોલવાની મંજુરી આપી છે. access_time 11:31 am IST

  • દિલ્હીઃ કોરોનાને મ્હાત આપી આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં ઉપસ્થિત રહેશે. AIIMSમાં સારવાર બાદ શ્રી શાહ ડિસ્ચાર્જ થયા હતા. access_time 9:53 pm IST