Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

આઇપીએસ અધિકારી રાજીવકુમારને શોધવા કોલકાત્તાના જુદા-જુદા સ્‍થળોએ અને ઉત્તરપ્રદેશમાં સીબીઆઇ દ્વારા દરોડા

નવી દિલ્હી (વિક્રમ દાસ): કેન્દ્રીય તપાસ એજન્સીએ શુક્રવારે રાતે આઈપીએસ અધિકારી રાજીવ કુમારની શોધમાં કોલકાતાથી લઈને 24 દક્ષિણ પરગણાના કેટલાક સંભવિત ઠેકાણાઓ પર સર્ચ કરી. તપાસ એજન્સીએ તેમના યુપી સ્થિત નિવાસ સ્થાન ઉપર પણ દરોડા માર્યાં. પરંતુ સફળતા મળી નહીં. સીબીઆઈના સૂત્રોનું માનીએ તો વરિષ્ઠ પોલીસ અધિકારી રાજીવ પોતાનો મોબાઈલ કોલ કટ કરે છે અને વારંવાર ઠેકાણા બદલ્યા કરે છે.

વરિષ્ઠ પોલીસ અધિકારી રાજીવ કુમાર શારદા ચિટફંડ કૌભાંડની તપાસ મામલે સીબીઆઈ દ્વારા વોન્ટેડ જાહેર છે. કોલકાતા હાઈકોર્ટ દ્વારા તેમની ધરપકડ પર લગાવાયેલી વચગાળાની રોક હટાવી લેવાયા બાદ ગુરુવાર સાંજથી જ કુમાર જાહેરમાં જોવા મળ્યાં નથી. તપાસ એજન્સી દ્વારા અનેક નોટિસ મોકલાયા છતાં તેઓ સીબીઆઈ સમક્ષ હાજર થયા નથી.

રાજીવ કુમારની શોધ માટે સીબીઆઈની એક વિશેષ ટીમ બનાવાઈ છે જેણે ગુરુવારે અલીપોરના આઈપીએસ અધિકારીઓના મેસ, પાર્ક સ્ટ્રીટ સ્થિત કુમારના અધિકૃત નિવાસ સ્થાન સહિત ઈસ્ટર્ન મેટ્રોપોલિટ બાયપાસ સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલમાં રેડ મારી હતી.

(4:35 pm IST)