Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

પોલીસ કર્મીના રાજીનામાના હેવાલ ખોટા : મોદી સરકાર

વિડિયો મેસેજો તોફાની તત્વો દ્વારા વાયરલ કરાયા : હાલ ૩૦૦૦૦થી વધુ એસપીઓ તૈનાત કરાયા છે અને પોતાની ફરજ અસરકારકરીતે અદા કરી રહ્યા છે : સરકાર

શ્રીનગર, તા. ૨૧ : જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા ત્રણ પોલીસ જવાનોની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ દેશભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. આતંકવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી રહી છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એવા અહેવાલને રદિયો આપ્યો છે કે, પોલીસ કર્મચારીઓના રાજીનામાના અહેવાલ ખોટા છે. બે પોલીસ જવાનોએ વિભાગને વિડિયો મેસેજ કરીને રાજીનામુ આપી દીધું હોવાના અહેવાલ ખોટા છે. ગૃહમંત્રાલયે આ અહેવાલને રદિયો આપ્યો છે. ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, ખોટીરીતે આ અહેવાલ પ્રાયોજિત કરવામાં આવ્યો છે. કેટલાક તોફાની તત્વો દ્વારા આવા અહેવાલ ફેલાવવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રાલયનું કહેવું છે કે, ૩૦૦૦૦થી વધારે એસપીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેમની સેવાઓને લઇને સમય સમયે સમીક્ષા કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક તોફાની તત્વો બિનજરૂરી અહેવાલો ફેલાવી રહ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકોની અવધિ વહીવટી કારણોસર વધારવામાં આવી નથી તે લોકોએ રાજીનામા આપી દીધા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે ત્રાસવાદીઓએ પોલીસ કર્મચારીઓને તેમના ઘરમાંથી ઉપાડી લીધા હતા. ત્યારબાદ તેમના મૃતદેહ એક બગીચામાં મળી આવ્યા હતા. તેમની ઓળખ પણ કરી લેવામાં આવી છે. બાટાગુંદ અને કપરાનગામ સ્થિત ગામમાંથી તેમના અપહરણ કરવામાં આવ્યા હતા. હત્યાકાંડ બાદ મિડિયા રિપોર્ટમાં રાજીનામુ આપનાર પોલીસની સંખ્યા જુદી જુદી દર્શાવવામાં આવી છે. ત્રાસવાદીઓએ પોલીસ જવાનોને ગોળીઓથી છન્ની કરી દીધા હતા. હિઝબુલે હુમલાની જવાબદારી સ્વીકારી છે. સાથીઓની હત્યાથી નિચલા રેંકના પોલીસ કર્મીઓમાં એવી દહેશત ફેલાઈ ગઈ હતી કે, આશરે બે પોલીસ કર્મીઓએ પોતાને પોલીસ ફોર્સથી અલગ કરી લીધા છે.

(7:36 pm IST)