Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

પાકિસ્તાનની સાથે સૂચિત મંત્રણા રદ કરવાનો નિર્ણય

ઇમરાનનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો : સરકાર : બીએસએફ જવાન, પોલીસ જવાનોની હત્યા બાદ ભારત લાલઘૂમ : પાકિસ્તાન સાથે વાતચીતનો કોઇ મતલબ નથી

નવી દિલ્હી, તા.૨૧ : બીએસએફ જવાનની અમાનવીય હત્યા અને ત્યારબાદ પોલીસ જવાનોનું અપહરણ કરીને ઘાતકી હત્યા કરવાના બનાવ બાદ લાલઘૂમ થયેલા ભારતે પાકિસ્તાન સાથેની સૂચિત મંત્રણાને આખરે રદ કરી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાન અને વિદેશમંત્રીના પત્રોની ભાવનાને ધ્યાનમાં લઇને આ વાતચીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કુમારે કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ત્રાસવાદના મુદ્દે પણ વાતચીત કરવાની ખાતરી આપી હતી. તેમની મંત્રણાની પાછળ નાપાક ઇરાદા રહેલા છે તે બાબત સાબિત થઇ ચુકી છે. રવીશ કુમારે કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનનો વાસ્તવિક ચહેરો તેમના શરૂઆતના કાર્યકાલના દિવસોમાં જ તમામની સામે આવી ગયો છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વાતચીત યોગ્ય નથી. આવી વાતચીત અર્થવગરની છે. ન્યુયોર્કમાં હવે ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓની પણ વાતચીત થશે નહીં. ભારતે કાશ્મીરમાં બીએસએફના જવાનની હત્યાને લઇને પાકિસ્તાન સમક્ષ જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. ભારતે ગુરુવારના દિવસે જ ખાતરી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનના નિવેદન પર બંને દેશોના વિદેશમંત્રીઓની વાતચીત માટે અમે તૈયાર છે. આ વાતચીત ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં થનાર હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ મિટિંગનો મતલબ એ નથી કે, પાકિસ્તાન પ્રત્યે અમારી નીતિ બદલાઈ ગઈ છે. આને વાતચીતની શરૂઆત તરીકે પણ ગણવામાં આવે તે યોગ્ય નથી. પત્રકારો સાથે વાતચીત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું હતું કે, આ વાતચીત હવે થનાર નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહત્વપૂર્ણ મુદ્દા પર વાતચીત શરૂ કરવાની વાત કરી હતી. કાશ્મીર અને આતંકવાદના મુદ્દા ઉપર વાતચીત કરવાની પણ ખાતરી અપાઈ હતી.

(7:33 pm IST)