Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

EVM સાથે ચેડાં કરીને BJP ૫૦ વર્ષ સુધી સત્તા પર ચીપકી રહેશે?: શત્રુધ્ન સિંહા

અહંકારની રાજનીતિના આ દોરમાં ભાજપના કેટલાય નેતાઓ સામેલ છે

 

નવી દિલ્હી તા. ૨૧ ઃ ભાજપના પટણાસાહિબના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ વધુ એક વખત પક્ષ વિરુદ્ઘ બાગી તેવર દેખાડ્યાં છે અને તેમણે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ઘ સીધું નિશાન તાકયું છે. અમિત શાહ પર હુમલો કરતાં શત્રુઘ્ન સિંહાએ વેધક સવાલ પૂછ્યો છે કે ભાજપ ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) સાથે ચેડાં કરીને શું આગામી પ૦ વર્ષ સુુધી સત્તા પર ચીપકી રહેવાનું વિચારી રહ્યો છે?

વાસ્તવમાં થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું કે ર૦૧૯માં ભાજપ ફરીથી સત્તારૃઢ થશે અને આગામી પ૦ વર્ષ સુધી દેશમાં ભાજપની સરકાર રહેશે જ. અમિત શાહના આ નિવેદનને લઇને શત્રુઘ્ન સિંહાએ તેમની સામે નિશાન તાકીને વ્યંગ કરતાં ટ્વિટ કરીને પૂછ્યું છે કે શું ઇવીએમ સાથે ચેડાં કરીને ભાજપ પ૦ વર્ષ સુધી સત્તા પર ટકી શકશે.

જયારે બીજી બાજુ શત્રુઘ્ન સિંહાએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનાં ભારોભાર વખાણ કર્યાં છે. ભાજપના સાંસદે જણાવ્યું હતું કે અહંકારની રાજનીતિના આ દોરમાં ભાજપના કેટલાય નેતાઓ સામેલ છે. અખિલેશ યાદવની બધાંને સાથે લઇને ચાલવાની રાજનીતિ પ્રશંસનીય છે.

થોડા દિવસ પૂર્વે અખિલેશ યાદવે એવી જાહેરાત કરી હતી કે મહાગઠબંધનને મજબૂત કરવા માટે જો સમાજવાદી પાર્ટીને બે ડગલાં પાછળ જવું પડશે તો પણ તૈયાર છે. શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે અખિલેશની આ વિચારધારા પ્રશંસનીય છે અને તે તેમની પરિપકવતા દર્શાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર ગર્ભિત હુમલો કરતાં શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે ભાજપ આજે પણ વન મેન શો અને ટુ મેન આર્મીની વિચારધારા અને અહંકારની રાજનીતિ સાથે આગળ વધી રહ્યો છે.(૨૧.૩૦)

(4:09 pm IST)