Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

શેરબજારમાં ભૂકંપઃ ઈન્વેસ્ટરો સ્તબ્ધઃ કરોડો રૂપિયા ઓગળી ગયા ૧૫૦૦ પોઈન્ટનું ગોથુ ખાધા બાદ સેન્સેકસમાં જોરદાર રીકવરી

બેન્કીંગ-હાઉસીંગ-રીયલ્ટી સેકટરમાં તોતીંગ ગાબડાઃ નાના-મધ્યમ શેર્સની ધોલાઈઃ ઈન્ટ્રા ડે દિવાન હાઉસીંગ ૫૫ ટકા તથા યશ બેન્ક ૩૦ ટકા તૂટયો : નોટબંધી બાદ પહેલીવાર મહાગાબડુઃ નીફટી એક વખત ૧૧ હજારની નીચેઃ બપોરે ૨.૧૫ કલાકે સેન્સેકસ ૪૫૫ પોઈન્ટ તથા નીફટી ૧૪૧ પોઈન્ટ ડાઉનઃ રૂપિયો ૭૨.૨૦

મુંબઈ, તા. ૨૧ :. શેરબજારમાં આજે જોરદાર ઉથલપાથલ જોવા મળી છે. સેન્સેકસ અને નીફટી સવારે પ્લસમાં ખુલ્યા હતા અને તેજી હતી પરંતુ અચાનક સેન્સેકસ અને નીફટીએ જોરદાર ગોથુ ખાધુ હતુ. એક સમયે સેન્સેકસ લગભગ ૧૫૦૦ પોઈન્ટ નીચે આવી ગયો હતો. જે નોટબંધી બાદ સૌથી મોટો ઘટાડો હતો તેમ નવભારત ટાઈમ્સ અને અમર ઉજાલાનો અહેવાલ જણાવે છે. બન્નેના અહેવાલ અનુસાર નીફટી એક તબક્કે ૧૧૦૦૦ની નીચે ચાલ્યો ગયો હતો. જ્યારે અન્ય અહેવાલ અનુસાર સેન્સેકસમાં ૧૧૦૦ પોઈન્ટ તો નીફટીમાં ૩૫૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ શેરબજારમાં જોરદાર રીકવરી જોવા મળી હતી. બપોરે ૨.૧૫ કલાકે સેન્સેકસ ૪૫૫ પોઈન્ટ ઘટીને ૩૬૬૬૫ અને નીફટી ૧૪૧ પોઈન્ટ ઘટીને ૧૧૦૯૨ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. બજારમાં જોરદાર વેચવાલીનો માહોલ હોવાનું જણાય છે. આ દરમિયાન રીયલ્ટી, હાઉસીંગ ફાઈનાન્સ અને બેન્કીંગ શેરોની ધોલાઈ થઈ હતી. એક તબક્કે દિવાન હાઉસીંગનો શેર ૫૫ ટકા તથા યશ બેન્કનો શેર ૩૦ ટકા તૂટયો હતો. બજારમાં આ પ્રકારની ઉથલપાથલથી આજે ઈન્વેસ્ટરો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. શેરબજારમાં આ ઉથલપાથલનું આ લખાય છે ત્યારે કોઈ મોટુ કારણ જાણવા મળ્યુ નથી. જો કે નિષ્ણાંતો કહે છે કે, શેરધારકોએ ગભરાવાની જરૂર નથી.

શેરબજારમાં આજે બપોરે ૧ વાગ્યે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. એ વખતે સેન્સેકસ ૧૦૦૦ પોઈન્ટ તૂટી ગયો હતો અને નીફટી પણ ૧૧૦૦૦ની અંદર ચાલ્યો ગયો હતો. એક તબક્કે ઈન્ટ્રા ડે સેન્સેકસ ૩૫૯૯૩ અને નીફટી ૪૦૦ પોઈન્ટ ડાઉન સાથે ૧૧૦૦૦ની અંદર ચાલ્યો ગયો હતો. આજે નાના અને મધ્યમ શેરોની જોરદાર ધોલાઈ થઈ હતી. મીડકેપ ઈન્ડેક્ષ ૩ ટકા તો સ્મોલ કેપ ઈન્ડેક્ષ ૪ ટકા તૂટયો હતો. આજે દિવાન હાઉસીંગ ફાઈનાન્સનો શેર ૫૬ ટકાથી વધુ તૂટયો હતો અને ૬૧૫ ઉપર ખૂલ્યા બાદ તે ૩૦૫ ઉપર ટ્રેન્ડીંગ કરતો હતો. આ શેર તૂટતા રોકાણકારોના ૧૦,૦૦૦ કરોડ ડૂબ્યા હતા તો યશ બેન્કનો શેર ૩૪ ટકા તૂટયો હતો. રીયલ એસ્ટેટ કંપનીઓ ગોદરેજ, ઈન્ડીયા બુલ્સ અને એચડીઆઈએલના શેર ૨ ટકાથી લઈને ૬ ટકા સુધી તૂટયા હતા.

આઈએલએન્ડએફએસ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સનો શેર ૨૦ ટકા તૂટયો હતો તો રેલીગેરનો શેર પણ ૨૦ ટકા તૂટયો હતો. યશ બેન્ક ૩૨ ટકા તૂટીને ૨૧૦ ટકા સુધી પહોંચી ગયો હતો. જે જાન્યુઆરી ૨૦૦૮ પછી સૌથી મોટો ઘટાડો છે. આ લખાય છે ત્યારે ડોલર સામે રૂપિયો ૭૨.૨૦ ઉપર ટ્રેડ કરે છે.

છેલ્લે દિવાન હાઉસીંગ ૪૧.૮૫ ટકા તૂટીને ૩૫૫, યશ બેન્ક ૨૯ ટકા તૂટીને ૨૨૬, ઈન્ફબીન ૨૪ ટકા ઘટીને ૧૭૮, સેન્ટ્રલ બેન્ક ૨૦ ટકા ઘટીને ૫૩, હિન્દુ કન્સ્ટ્ર. ૧૨, શ્રેઈ ઈન્ફ્રા. ૪૧, જયપ્રકાશ ૮, ઈન્ડીયા બુલ્સ રીયલ ૧૨૧, આઈટીસી ૩૦૩, રીલાયન્સ ૧૨૨૦, વિપ્રો ૩૩૪, ઓઈલ ઈન્ડીયા ૨૧૫, ભારતીય ઈન્ફ્રા. ૨૭૮ ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

(3:11 pm IST)