Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

હવે CNG-PNG નાં ભાવ વધશે

ડોલર સામે રૂપિયો નબળો પડતા

નવી દિલ્‍હી તા. ર૧: નબળા રૂપિયાની ઝાળથી ઇંધણની કિંમતોમાં ભડકો થયો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારા પછી નબળા રૂપિયાની આગ હવે સીએનજી અને પીએનજીની કિંમતો સુધી પહોંચવાની છે. ઘરેલું કુદરતી ગેસની કિંમતોમાં છ માસિક ફેરફાર ઓકટોબરમાં થશે ત્‍યાર પછી તેની કિંમતોમાં વધારો થવાની શકયતા છે.

ઘરેલુ ફીલ્‍ડસમાંથી નીકળતા ગેસની બેઝ પ્રાઇસમાં ૧૪ ટકા એટલે કે ૩.પ ડોલર (રપર રૂપિયા) પ્રતિ યુનિટ ભાવ વધારાનું અનુમાન છે. માર્ચ ર૦૧૬માં ગેસની કિંમતોમાં સૌથી વધારે ૩.૮ર ડોલર પ્રતિ યુનિટનો વધારો થયો હતો. નેચરલ ગેસની કિંમતો ગેસ સરપ્‍લસ માર્કેટસ જેમ કે યુ એસ, કેનેડા, યુકે અને રશિયામાં એવરેજ રેટસના આધારે દર છ મહીને નકકી થાય છે.

નબળા રૂપિયાના કારણે બધા શહેરોમાં સીએનજી અને પીએનજીની કિંમતોમાં વધારો થશે. રૂપિયામાં પછડાટથી સીએનજી અને પીએનજી સર્વિસ પ્રોવાઇડર્સ માટે નેચરલ ગેસ મોંઘી બને છે જેના લીધે તેમણે કિંમત વધારવી પડે છે. દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારમાં સીએનજીના એક માત્ર સપ્‍લાયર ઇન્‍દ્રપ્રસ્‍થ ગેસ લીમીટેડ એપ્રીલથી અત્‍યાર સુધીમાં સીએનજીની કિંમતોમાં ૩ વાર વધારો કર્યો છે.  ત્રણ વારના વધારાના કારણે સીએનજીની કિંમત ર.૮૯ પૈસા વધી ગઇ છે. આમાંથી અર્ધો વધારો એટલે કે ૧.૪૩ રૂપિયા પ્રતિ કીલો રૂપિયાની કિંમત ઘટવાના કારણે થયો છે.

(2:34 pm IST)